પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુપરિન્ટેન્ડન્ટ પાસે બાપુ ભાગ્યે જ કોઈ મહેરબાની માગે. પણ ખગોળનો અને આકાશદર્શનનો એમને હમણાં હમણાં એટલો શોખ વધી ગયો છે કે ગ્રહણ આવે તે પહેલાં કેટલાય દિવસ આગમચ એ ગ્રહણ ક્ચારે દેખાશે, ક્યાંથી દેખાશે એની વાતો કરતા હતા. આજે સવારે સુપરિન્ટેન્ડન્ટને પૂછયું કે " ‘સામો દરવાજો ને દીવાલ એ પ્રહણ જોતાં આડાં આવશે કારણ કે ગ્રહણ શરૂ સવા છ વાગ્યે થાય છે, અને તે વેળા ચંદ્ર દીવાલની નીચે હોઈ ન જોઈ શકાય, પણ જો તમે દરવાજો ઉઘડાવો તે અમે ગ્રહણ જોઈ શકીએ." સુપરિન્ટેન્ડન્ટે હા પાડી. જેલર સાહેબ બિચારા છ વાગ્યાના આવીને બેઠા, સવા છ સાડા છએ અમે જોવા નીકળ્યા. પણ ચંદ્રે સત્યાગ્રહ કર્યો. સામે ક્ષિતિજ ઉપર વાદળાંમાં એ છુપાયો તે છુપાયો. જાણે ‘તમારું ગ્રહણ થતું જગતમાં કોઈ ને તમે જોવા દો એમ નથી, મારું ગ્રહણ શા સારુ તમે જોવા ઈચ્છો’ એવો ઉપાલંભ આપતો હોયની ! સાત સુધી રાહ જોઈ, પ્રાર્થનાનો સમય થઈ ગયો, બાપુ થાક્યા. કરૂણ સ્વરે વલભભાઈને કહ્યું : "વલ્લભભાઈ, ગ્રહણ નહીં જ દેખાય." જેલરને કહ્યું: "ત્યારે આપ પધારો, આપને તકલીફ આપી તે માફ કરજો." જેલર કહે : " નહીં'જી, હજી પાંચ દશ મિનિટ થોભો, આટલું થોભ્યા છીએ તો થોડું વધારે, કદાચ વાદળાં વીખરાય, અને ચંદ્ર દેખાય.” થોભ્યા, સવાસાત થયા. બાપુ આખરે નિરાશ થયા અને કહ્યું : " બસ હવે તો આપ જાઓ. હવે અમે પ્રાર્થના કરીએ." બાપુને મેં પૂછયું: " ‘બાપુ, આટલી ઉત્સુકતાથી ગ્રહણ કોઈ વાર અગાઉ જોવાને માટે ઊભા રહ્યા છો ખરા ? " બાપુ કહે : “ ના, કદી નહી, એ તો આ આકાશદર્શનના નવા શોખનું જ પરિણામ છે." મેં પૂછયું : " બાળપણમાં ? " બાપુ : " બાળપણમાં ? અરે ત્યારે તો મા ગ્રહણ જોવા દે જ શેની ? એ કહે : ના બચ આપણાથી ગ્રહણ ન જોવાય, એ જોઈએ તો કાંઈ માઠું' થાય. એ સાંભળીને અમે ચૂપ રહીએ."

રાત્રે કાગળ લખાવવા બેઠા. એક સરકારી પેન્શનરનો કાગળ હતો. ૭૦ વર્ષની ઉમર થઈ છે, પણ દમનો ઉપદ્રવ બહુ પીડે છે. તમે અનેક પ્રયોગો કરેલા છે, અને કુદરતી ઉપાયે દર્દી સારાં કર્યા છે તો મને કાંઈ ન સૂચવો? બાપુને મેં કહ્યું : " આવા કાગળના ક્યાં જવાબ આપતા ફરશો ? " બાપુ કહે : " ભલે." એમ કહીને કાગળ ફાડ્યો. ત્યાં સરદાર બોલ્યા : " અરે લખોની કે ઉપવાસ કર, ભાજી ખા, કોળું ખા, સોડા પી. " બાપુ ખડખડાટ હસ્યા અને મને કહે : " મહાદેવ, એ કાગળ ઉપાડી લ્યો, આપણે એને લખવું છે." સાચે જ કાગળ લખાવ્યો. એનો સાર એ

૨૯