પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકે એમ જણાવે છે. આ વાત બાપુને બેહૂદી લાગી, અને આજે અતિશય. આકરી વાત, ભલે મીઠાશથી એને કહેવી પડી. એમને કહ્યું કે હું તમારા વડો હોઉં તો હું તમને આટલી હકીકત ઉપર સસ્પેન્ડ કરું. પેલો સાંભળી રહ્યો. એણે જવાને તો મનેકમને ઈરાદો પ્રગટ કર્યો, પણ સાંજ સુધી, રાત સુધી જવાબ ન આવ્યો. એ માણસની જડતા ઉપર મને આશ્ચર્ય થયું. બાપુએ કહ્યું : “ દેશી વડા સાથે લડવાનો પ્રસંગ પણ મારા નસીબમાં લખ્યો હશે ? ભલે લખ્યો હોય તો, તે જોઈ લેશું.” આજ સુધી એને વિષેના અભિપ્રાયમાં જે સહિષ્ણુતા હતી તે અહિંસાનો નમૂનો હતો. આજની કડકાઈ એ સત્યાગ્રહના અને સામાનામાં ધર્મજાગૃતિ પ્રેરવાની ઉત્કંઠાનો નમૂનો હતો.

* **

આજે . . . નો કાગળ આવ્યો તેથી બાપુને સંતોષ થયો. કલેકટરે સ્વતંત્ર રીતે એમને બોલાવેલા. એમણે પોતે કોંગ્રેસમેન હોવાનું જાહેર કરેલું અને છતાં સંઘની નીતિ સવિનયભંગનું કામ હાલ ન કરવાની છે એ જણાવેલું. પેલાએ ‘ હાજરી 'ની શરત વિષે દિલગીરી બતાવીને કહેલું કે ' સંઘની નીતિ વિષે કાગળ ન લખો ? ' . . . એ કહ્યું કે ' સજામાંથી છટકવા માટે એ કાગળ લખ્યો કહેવાય એટલે હું કાગળ લખવા નથી ઈચ્છતો.' બાપુએ કહ્યું આ તદ્દન સંતોષકારક વસ્તુ છે.

* **

આજે ખીચડી શાક રાંધીને અહીં રસોડાનો પ્રયોગ શરૂ કર્યો. વલભભાઈને તો બહુ સંતોષ થયો જ. નિર્લેપ રહીને એમની એટલી સેવા કરી શકાય તો બહુ સરસ વાત છે..

* **

' અનઘ ' આજે પૂરું કર્યું. બહુ સરસ વસ્તુ છે. મધની કથા જાતક કથાઓમાં છે. 'બુદ્ધલીલાસારસંગ્રહ'માં એનો કિસ્સો ધર્માનંદ કોસંબીએ રસિક રીતે વર્ણવ્યો છે. પણ એને આદર્શ સત્યાગ્રહી, અને કારાગૃહવાસી અને સવિનયભંગી વર્ણવવાનું કલામય કામ મિથિલીશરણ બાબુને માટે હતું. જૂની કથાને એમણે બહુ સુંદર સ્વરૂપ આપ્યું છે. આજે સ્ટોક્સનું પુસ્તક વાંચતાં વાંચતાં બાપુ કહે : " ગ્રેગે અને એન્ડ્રૂઝે એને આ પુસ્તક છપાવવાની શું જોઈને સલાહ આપી હશે ? જેને કંઈ સંગીન આપવાનું નથી, જેનું મન જ અનિશ્ચિત છે, અને સ્પષ્ટ વિચાર દર્શાવી નથી શકતું એ ભલે પોતાની મૂંઝવણો સાફ થવાને માટે કાગળ ઉપર લખે પણ તેને પુસ્તકાકારે શા સારુ છપાવે ? ”

.

૩૨