પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२४-३-'३२ આજે એવલીન રેચ તરફથી Fors clavigera (ફૉર્સ ક્લેવિજેરા)નાં ચાર પુસ્તકો આવ્યાં. બાપુ એ જોવામાં ગરકાવ થયા. એની પાછળની વિષયસૂચિથી આશ્ચર્યચકિત થયા અને એ જોવામાં એક કલાક આપ્યો. વિષયસૂચિ જોતાં જોતાં કહે : " ' બ્રિટિશ બાઇબલ' એ શું હશે ?” વલભભાઈ એ પૂછયું : “ બ્રિટિશ બાઇબલ એટલે ? " બાપુ કહે : " એટલે બ્રિટિશ લોકોને બાઈબલ એ શું ? " એટલે તરત જ વલ્લભભાઈએ જવાબ આપ્યો : " પાઉંડ શિલિંગ અને પેન્સ. ' પુસ્તકમાં ખરેખર પાઉંડ શિલિંગ અને પેન્સ એ બ્રિટિશ બાઇબલ એમ જ લખેલું હતું. વલ્લભભાઈ કહે : " જુઓ, આવું આવું મને આવડે છે ના ? ”

અહીં છાપું વાંચવાનો વલ્લભભાઈનો ઈજારો. વાંચતાં એમના ઘણા ઉચ્ચારોમાં ભૂલેા હોય તેની એમને જરાય પરવા નહીં. ખાસ કરીને મદ્રાસ તરફનાં નામોના ઉચ્ચાર તો એમને કેમે કરી મોંએ ચડે જ નહીં.' આરોગ્ય સ્વામી મુદલિયારને અંગ્રેજીમાં Arokia swami લખેલું. તેઓ 'આરોકિયા' એાલે અને મને હસવું આવે. એટલે પછી ચિડાઈને કહે : " તને હસવું આવે છે, પણ આમાં તો જે લખાણું તે વંચાણું." બાપુ કહે : " પણ વલ્લભભાઈ, તામિલમાં ‘ક’ અને ‘ગ’ ની વચ્ચે ફેર નથી." એટલે વલ્લભભાઈ કહે : " પણ અંગ્રેજીમાં તો “જી” છે ના ? તે શા સારુ નથી લખતા ? "

કલકત્તાના Royalists (રૉયલિસ્ટસ) ને માટે તૈયાર કરેલા બેન્થોલનો ખાનગી અહેવાલ છાપામાં આવ્યો. તેની ઉપર છાપાંની ટીકા વંચાતી હતી. એમાં Gandhi's constructive vacuities ( ગાંધીની રચનાત્મક ગલતે) એવા શબ્દ આવતા હતા. મેં બાપુને પૂછયું : " રચનાત્મક ગફલત એ કેવી થતી હશે ? ” વલ્લભભાઈ કહે : “ આજે તારી દાળ બળી ગઈ હતી કે, તેવી. " બાપુ ખડખડાટ હસ્યા. નવો કૂકર આવેલો. વલ્લભભાઈ સારી દાળ વિના ત્રણ મહિના થયા રહેલા અને આજે સારી દાળની આશા રાખતા હતા. ત્યાં પહેલે જ દિવસે પાણી ઓછું હોવાને લીધે અને દેવતા વધારે હોવાને લીધે દાળ બળી ગઈ હતી !

* **

છાપાં વાંચીને બાપુ કહે: " બધું ઠીક જ થઈ રહ્યું છે અને આપણે ભારી ઊગરી ગયા છીએ. બેન્થોલના કાગળથી જે બહાર પડી રહ્યું છે, - મુસલમાનોની પરિષદના બધા હેવાલ - એ બધું શું સૂચવે છે? આપણે અંદર ૫ડયા તે બધું બરાબર છે.”

૩૩