પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વલ્લભભાઈ રોજ રસથી છાપાં વાંચે, બાપુ રસથી સાંભળે, કાંઈ નહીં તો રસથી સાંભળે એમ બતાવે. કોઈ વાર બાપુ કાંઈ લખતા હોય કે વાંચતા હોય તો વલ્લભભાઈ રોકાઈ રહે. વારંવાર જુએ કે બાપુ પોતાનું કામ પૂરું કરી રહ્યા કે નહીં ? એટલે બાપુ કહે, " કેમ વલ્લભભાઈ ' હરે ' કહું કે? એટલે તમારી કથા શરૂ થાય. તો ભલે ' હરે ’.” આમ ચાલે છે, છતાં છાપાં વાંચવાં એ બાપુને બહુ ગમતાં નથી. સામાન્ય કેદી બહારની ખબર મેળવવા તલપાપડ થાય, ચોરીથી છાપાં મળી શકતાં હોય તો મેળવે. પણ બાપુની આ બાબતમાં લાગણી તદ્દન જુદી જ છે. છાપાં ન મળતાં હોય તો સુખે એ વખત બીજા વધારે સારા વ્યવસાયમાં આપે, બલકે મળે છે તેનો ઘણી વાર અણગમો થતો હોય તો આશ્ચર્ય નહીં. . . .ને વિષે ખબર વાંચીને ચિંતા થતી હતી. તેના કાગળની રાહ જોઈ, કાગળ આવ્યો એટલે સંતોષ થયો અને તેને લખ્યું : " તમારા કાગળ પછી કાંઈ જ કહેવાપણું રહેતું નથી. સાચું તો એ છે કે બહાર બને તેના વિચાર સરખાયે ન કરવા જોઈએ. પણ જ્યાં લગી છાપાં વાંચવાનું બંધ ન કરું અથવા ન થાય ત્યાં લગી વિચાર ન કરવા કે ન થવા એ અસંભવિત છે. તેથી જ તમને પૂછીને મન શાંત કર્યું. જે વાત કરી તેનો સાર તે જ વખતે તેને મોકલી દીધા હોત તો સારું થાત એમ મારો પાછલો અનુભવ સૂચવે છે. પણ હવે તો કરવાપણું નથી. ભવિષ્યને સારુ આ સૂચના કદાચ ઉપયોગી થાય.”

જુગતરામને લખ્યું : " તમે ઠીક કાગળ ભર્યો છે. આપણી ગાડી ચલાવનાર મનુષ્ય નથી, ઈશ્વર છે. તેમાં બેઠેલા આપણે તેની ઉપર શ્રદ્ધા રાખીએ ત્યાં લગી તે ચાલ્યા કરે જ, શ્રદ્ધા છોડી કે ગાડી અટકી જ જાણવી.”

* **

આશ્રમનાં બાળકો કોક વાર સુંદર સવાલ પૂછે છે. ઇંદુ પારેખે પૂછયું : " ભીષ્મને શિખંડીને આગળ કરીને માર્યા અને જયદ્રથને માટે સૂર્યને સુદર્શન ચક્રથી ઢાંકી દીધો એ શ્રીકૃષ્ણ ભગવાને બરાબર કર્યું ? અને જો બરોબર ન હોય તો એવાં નાટક આપણાથી ભજવાય ? ” એ બાળકને તો હમેશાં લખાતી બે ઇંચ પહોળી અને ચાર ઇંચ લાંબી કાપલીમાં લખ્યું : " તારો સવાલ સરસ છે. મહાભારત કાવ્ય છે, ઈતિહાસ નથી. જે માણસ હિંસાનો માર્ગ લે તો તેમાં સાચજૂઠ આવે જ એમ બતાવવાનો કવિતા હેતુ છે. પછી તેમાંથી કૃષ્ણ જેવા પણ બચી નથી શકતા. બાકી ખોટું તે તો ખોટું જ છે. અને શિખંડીને આગળ કરવામાં તેમ જ સૂર્યને ઢાંકવામાં દોષ તો હતો જ, વ્યાસજીએ પણ મારાં સ્મરણ પ્રમાણે એ પ્રસંગે દોષરૂપે

Gandhi Heritage Portal

૩૪