પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બન્યો. એ ધાર્મિક વૃત્તિનો હતો. પોતાના સાથીઓની નાસ્તિકતા પ્રત્યે તેની નાપસંદગી હતી. જોકે દુનિયાએ તેની સાથે કશી જ યારી નહોતી બતાવી, છતાં તેના દિલમાં કોઈ પણ પ્રત્યે અંગત રાગદ્વેષ નહોતો. એના સાથીઓ તે અનુકંપારહિત વિનાશના કાર્યક્રમમાં મચ્યા રહેતા, પરંતુ એને તો અરાજ્યવાદી એ નામનો પણ તિરસ્કાર હતો. એક વખત એના પતિની સાથે ગ્રાંડ ડચેસ ગાડીમાં બેઠેલી હતી તે વખતે એણે બોમ્બ ન ફેંક્યો. સર્જને તે દ્વેષપાત્ર જાલિમ નહોતો ગણતો, પણ પોતાની સ્વપ્નસૃષ્ટિના માર્ગમાં તેને એક અંતરાયરૂપ માનતો હતો. એ પોતાના મિત્રોને કહેતો કે આપણે નવી ભાવનાના સુભટ છીએ, નવરચનાને માટે આપણે લડીએ છીએ, આપણે ભવિષ્યના ઘડવૈયા છીએ. સર્જ ભૂતકાળનો પ્રતિનિધિ હતો એટલે તેનો નાશ કરવો જ જોઈએ.”

પછી ગ્રાંડ ડચેસ ઇલિઝાબેથ આ માણસને કેદખાનામાં મળવા જાય છે. એ દૃશ્ય તે કોઈ અપૂર્વ નાટકના દૃશ્યને પણ ઝાંખુ પાડે એવું છે. ખૂન પછી ગ્રાંડ ડચેસ એને કેદખાનામાં મળવા ગઈ. એનો પતિ પુરાણી ધર્મરૂઢિઓને ચુસ્તપણે માનનારો હતો. એણે એને એવું શીખવ્યું હતું કે મરણ સમયે ઝેરવેરનો અંત લાવવો જોઈએ અને મરનારને ઈશ્વરનું ચિંતન કરવાની તક આપવામાં મદદ કરવી જોઈએ. એટલે ઈલિઝાબેથ પોતાના પતિનું ખૂન કરનારને જેલમાં મળવા ગઈ અને તેની સાથે એણે ભાવપૂર્ણ હૃદયે વાત કરી. કોઈ વધુ હૃદયદ્રાવક મુલાકાત બીજી હોઈ શકે ખરી? એક બાજુએ ઊંચા કુળની એક સુંદર વિધવા પોતાના પતિના ખૂનીને પશ્ચાત્તાપ કરવા વીનવી રહી છે, તેના હાથમાં બાઇબલ મૂકે છે અને ખ્રિસ્તી દયાધર્મનો તેને ઉપદેશ કરે છે. બીજી બાજુએ એક વિપ્લવવાદી ખ્યાબી જુવાનિયો છે. પોતે એક વિધિનિર્મિત કાર્ય પાર પાડયું છે એવો એનો દૃઢ વિશ્વાસ છે. પોતે જે લોહી વહેવડાવ્યું છે અને જે આહુતિ આપવા પોતે સજજ થઈને બેઠો છે તેને પરિણામે દુનિયાને વધુ સારી તે બનાવી જાય છે, એવી એને ખાતરી છે.

કેદખાનામાંની કોટડીનું બારણું ઊધડયું અને ગ્રાંડ ડચેસ અંદર એકલી દાખલ થઈ. આશ્ચર્ય પામેલે ચહેરે કાલીવે પોતાના મુલાકાતીને પૂછયું: “ તમે કોણ છો ? અને શા માટે આવ્યાં છો ? ”

ઈલિઝાબેથ : “ હું ગ્રાંડ ડયુકની વિધવા. ભલા, તારો એમણે શો અપરાધ કર્યો હતો ?”

૫૯