પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરંતુ ઈલિઝાબેથે તો પાકા નિશ્ચય સાથે પોતાનું જીવન સેવામાં અર્પણ કર્યું હતું. એટલે તેણે આશ્રમમાંથી ચસવાની ના પાડી. તેણે કહ્યું, “ મેં રાજમહેલ છોડયો છે તે આવા વિપ્લવવાદીઓની સામે એ મહેલનો પાછો આશ્રય લેવાને માટે નહીં. તમે મારા આશ્રમનું રક્ષણ ન કરી શકો તો એને ઈશ્વર ઉપર છોડો.”

આમ દાવાનળ સળગ્યો હતો છતાં ઘાયલ સિપાહીઓની સારવાર કરવાનું, મરવા પડેલી વૃદ્ધ બાઈ એને આશ્વાસન આપવાનું, ગરીબોને રાહત આપવાનું અને બાકીના વખતમાં ભજનકીર્તનનું એનું કામ એણે ચાલુ જ રાખ્યું. બીજી બાજુ બોલ્શેવિકો પેલી કામચલાઉ સરકારને તોડી પાડવાની પેરવી કરી રહ્યા હતા. તે વેળા તેણે એક મિત્રને કાગળ લખ્યો તેમાં જણાવ્યું :

"આવે સમયે જ ઈશ્વરશ્રદ્ધાની સાચી કસોટી થાય છે. એવી કસોટીમાં પણ શાંત અને પ્રસન્ન રહેનાર જ કહી શકે છે કે 'પ્રભુ, તારું ધાર્યું થાઓ.' આપણા વહાલા રશિયાની આસપાસ વિનાશ સિવાય બીજું કશું દેખાતું નથી. તેમ છતાં મારી શ્રદ્ધા અચળ છે કે આવી - કસોટીએ કસનાર રુદ્ર ઈશ્વર અને દયાળુ કૃપાનિધાન ઈશ્વર એ એક જ છે. મોટા તોફાનની કલ્પના કરોની ! તેમાં પણ ભયાનકની સાથે ભવ્ય અંશે હોય છે જ ને? કેટલાક રક્ષણ માટે નાસભાગ કરે છે, કેટલાક તેમાં ડરના માર્યા જ મરણ પામે છે, જ્યારે કેટલાક એ મહા તોફાનમાં પણ ઈશ્વરની મહત્તાનાં દર્શન કરે છે. આજે આપણી આસપાસ એવું જ તોફાન નથી ચાલી રહ્યું ? અમે તો કામ, સેવા, અને પ્રાર્થનામાં રત છીએ. અમારી આશા અખંડ છે. રોજ ને રોજ બનતી આ સઘળી ઘટનાઓમાં અમે તો ભગવાનની દયાનું જ દર્શન કરી રહ્યાં છીએ. આ કાળે પણ આશા રાખતાં જીવી રહ્યાં છીએ એ જ એક ચમત્કાર નથી ? ”

છેવટે બોલ્શેવિકોનો વિજય થયો એટલે થોડા દિવસ પછી લાલ લશ્કરની એના આશ્રમ ઉપર ચડાઈ આવી. લશ્કરના વડાએ હુકમ કર્યો કે શાહી કુટુંબ સાથે ઇકટેરિનબર્ગ ભેગાં થવાને ચાલો. એણે આશ્રમની બધી બહેનોને મળી લેવાની રજા માગી. પણ રજા ન મળી. એક બીજી બહેન સાથે એને ઉપાડીને ટ્રેનમાં મૂકવામાં આવી. રસ્તેથી એણે આશ્રમની બહેનો પર વિદાયનો કાગળ લખ્યો. ઇકટેરિનબર્ગમાં ઝાર અને ઝરીના સાથે એને થોડાક દિવસ કેદ રાખવામાં આવી. ત્યાંથી પાછી પેલી બહેન સાથે એને પણ લઈ જવામાં આવી. રાજકુટુંબનાં બીજાં બધાં માણસોનો એને ત્યાં મેળાપ થયો. સા કેદી હતાં. ખાવાપીવાના અને પહેરવાએાઢવાના

૬૪