પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોઈએ તો એ લડત બંધ કરવાને માટે આ છએ જણા આવે ! એ લોકોને બળ સિવાય બીજું કશું અપીલ નથી થતું.”

४-४-'३२

બાપુએ આ વખતે ઘણા કાગળો લખ્યા, લખાવ્યા. સવારે સુરેન્દ્રની ઉપર એક કાગળ લખ્યો. અને તે સુપરિન્ટેન્ડેન્ટની મારફતે મોકલાવ્યો. “બ્રહ્મચર્ય બાબત તમે લખ્યું હતું તે મને મળ્યું હતું. મળશું ત્યારે જરૂર ચર્ચશું. જે વિચારો ઇમામ સાહેબને ત્યાં બતાવ્યા હતા તે દઢ થયા છે ને દઢ થતા જાય છે. એટલે કે અનુભવે તેની સત્યતા સિદ્ધ કરી રહેલ છે. ત્રણે કાળે અને બધી સ્થિતિમાં ટકી શકે તે જ બ્રહ્મચર્ય છે. આ સ્થિતિ બહુ મુશ્કેલ છે, પણ એમાં નવાઈ નથી. આપણો જન્મ વિષયમાંથી છે. જે વિષયમાંથી પેદા થયું છે એવું શરીર આપણને બહુ ગમે છે. આ વંશપરંપરાથી મળેલા વિજયી વારસાને નિર્વિષયી કરવો એ કઠિન જ હોય. છતાં તે અમૂલ્ય આત્માનું નિવાસસ્થાન છે. એ પ્રત્યક્ષ થાય ત્યારે બ્રહ્મચર્ય સ્વાભાવિક થઈ શકે છે. અને એવું બ્રહ્મચર્ય સાક્ષાત્ રંભા સ્વર્ગમાંથી ઉતરી આવે ને સ્પર્શ કરે તોયે અખંડિત રહે. સૌને પોતાની માતા રંભા સમાન હોય. રંભા માતાનો વિચાર કરતાં પણ વિકાર શમે છે. એમ સ્ત્રીમાત્રનો વિચાર કરતાં વિકાર શમવા જોઈએ. પણ કેટલું લંબાવું ? આટલું ફરી ફરી વિચારી તેના ફલિતાર્થ કાઢજો.

"ખુરશી કરવાથી કાઈ પીગળે તેમાંથી તમે અહિંસાનું પરિણામ ઘટાવો એ બરાબર નથી. પણ એ વિષય મહત્ત્વનો નથી. જેમ જેમ શ્રદ્ધા વધશે તેમ તેમ બુદ્ધિ વધશે. ગીતા તો એમ શીખવતી લાગે છે કે બુદ્ધિયોગ ઈશ્વર કરાવે છે. શ્રદ્ધા વધારવી એ આપણું કર્તવ્ય છે. અહીં શ્રદ્ધા અને બુદ્ધિ એટલે શું એ સમજવાનું રહે છે ખરું. એ સમજ પણ વ્યાખ્યાથી નથી આવતી. પણ ખરી નમ્રતા કેળવવાથી આવે છે. જે માને છે કે તે જાણે છે એ કઈ જાણતા નથી. જે માને છે કે તે કંઈ જાણતા નથી તેને યથાસમયે જ્ઞાન આવી રહે છે. ભરેલા ઘડામાં ગંગાજળ નાખવા ઈશ્વર પણ સમર્થ નથી. એટલે આપણે ખાલી હાથે જ ઈશ્વર પાસે રોજ ઊભવાનું છે. આપણે અપરિગ્રહ પણ એ જ સૂચવે છે. હવે બસ ! મને લખવું હોય ત્યારે લખવું. કાગળ આપશે.”

આજે બાવન કાગળો આશ્રમમાં અને તે ઉપરાંત બીજા સાતઆઠ લખ્યા. સેમ્યુઅલ હોરના પુસ્તક 'ધ ફોર્થ સીલ ’માંથી ગ્રાંડ ડચેસ ઈલિઝાબેથનું ચિત્ર મેં આશ્રમને માટે મે કહ્યું. પરચુરણ કાગળોમાં

૭૦