પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાણા વહેચવા માંડ્યા. ત્યાં તો એના ઉપર એવી પડાપડી થઈ કે હુલ્લડ થવા જેવું થયું.

ત્રીજું કામ, એક હિંદુ-મુસલમાન ઝધડો હતો. એ ઝઘડામાં એક બે મુસલમાન ઓળખીતા હતા, તેને લીધે તેનો નિવેડો લાવવામાં ફાવ્યો હતો, એમ યાદ છે.

અને એ જ વેળા વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી હતી. મેં બરાબર ભાગ લીધેલો. મગનલાલ તથા છગનલાલને God save the King શીખવેલું. અને એ છોકરાઓની પાસે નાનાં નાનાં ઘણાં કામ લીધેલાં. અને ત્યારથી એ છોકરાઓને મારા કરેલા કહેવાય. મને થયું કે આ છોકરા ભવિષ્યમાં કામ આપશે.

* **

આજે બાપુએ ઘણા કાગળો લખ્યા અને લખાવ્યા. પ્રેમાબહેનને અને મીરાબહેનને પોતાના હાથે લાંબા કાગળ લખ્યા - ડાબા હાથે. જમણા હાથની આંગળીએ સારી પેઠે દરદ થાય છે. એટલે ડાબા હાથે લખવું પડે છે. એ ઓછું લખાય છે એટલે મારી પાસે સામાન્ય કાગળ તો લખાવે છે. પણ આવા અસામાન્ય કાગળા બધા પોતે જ લખે છે. મને લખાવેલા કાગળામાંથી એક કાગળ અંબાલાલ મોદીનો હતો જેનો ઉલેખ હું ઉપર ફરી ગયો. સંતરામ મહારાજની આજ્ઞાથી સંતરામ મંદિરંમાં ગીતારામાયણાદિનાં પારાયણ દેશની શાંતિને અર્થે શરૂ થયાં છે, એ વિષે મહારાજે બાપુનો અભિપ્રાય માગ્યો હતા. તેના જવાબમાં બાપુએ લખાવ્યું : " તમારો પત્ર અને ગુજરાતી ગીતા-રામાયણ મળ્યાં. બન્નેને સારુ મહારાજશ્રીનો ઉપકાર માનું છું. બ્રાહ્મણ પંડિતો જો સંતપુરુષો હોય અને લોકોમાં ઉપનિષદાદિના જ્ઞાનનો પ્રચાર કરે તો તે સારું છે, એ વિષે બે મત હોઈ જ ન શકે. વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકાલ એાછો જોવામાં આવે છે. તેથી આવી પ્રવૃત્તિઓ વિષે મનમાં ઉદાસીનતા રહે છે ખરી.

" ગીતા-રામાયણના સંપૂર્ણ પારાયણ વિષે ઉપરના જેવી જ અથવા એથી જરા વિશેષ ઉદાસીનતા રહે છે. અર્થ સમજ્યા વિના અથવા અર્થ સમજતા છતાં કેવળ ઉચ્ચારણને ખાતર — કેમ જાણે ઉચ્ચારણમાં જ પુણ્ય હોય નહીં તેમ માનીને અથવા આડંબર અથવા કીર્તિને ખાતર જેઓ પાઠ કરે તેવાના પારાયણની હુ. કાંઈ કિંમત આંકતો નથી. એટલું જ નહીં પણ એથી નુકસાન થાય છે એમ હું માનું છું. જો ઉપરના દોષોને દૂર રાખવાના ઉપાય મહારાજશ્રી શોધી શક્યા હોય અને તે યોજીને પારાયણ ચલાવી રહ્યા હોય તો એથી ભલું થાય એ વિષે મને શંકા નથી.

૮૧