પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપુને એ લેવાની ફરજ પાડે. મને આજ તકિયાના ગલેફ ચઢાવવાનું કહ્યું. મે " હા ” કહી. તુરત બીજું કંઈ કામ સોંપ્યું તેમાં પડ્યો એટલે ગલેફ ચઢાવવાનું રહ્યું અને તે હું યાદ કરું તે પહેલાં વલ્લભભાઈ એ ચઢાવી દીધેલા. ઈશ્વરે એમના ચરણ આગળ લાવીને મૂક્યો છે તો કોઈક દિવસે એ શક્તિ આપશે તે શ્રદ્ધાએ રગશિયું ગાડું ચલાવ્યે જાઉં છું.

* **

બાપુએ કાગળમાં ટાંકેલી ગુજરાતી કહેવત : ' ધણીને સૂઝે ઢાંકણીમાં ને પડોશીને ન સૂઝે આરસીમાં.' મને બાપુએ પૂછયું : ' આનું અંગ્રેજી આવડે છે?” અંગ્રેજી તો ન સૂઝયું, પણ પછી એનું પૃથક્કરણ કરતાં ગુજરાતી અર્થ વિષે પણ હું સ્પષ્ટ નહોતો. બાપુ પણ સ્પષ્ટ નહોતા.

९-४-'३२ સવારે ઊઠીને એ જ કહેવત વિષે મેં વલભભાઈને પૂછયું. બાપુ કહે : “ કેમ, એમની પરીક્ષા લો છે ?” મેં કહ્યું, " વલ્લભભાઈ પાસે આવી કહેવતના ઠીક ભંડાર હોય છે. એટલે એમને કદાચ ખબર પડે.” બાપુ કહે : “ હા, એ તો જાણું છું, પણ એના અર્થ વિષે આપણે ક્યાં તકરાર છે? આપણે તો એની રચનાનો પ્રશ્ન છે. એ કહેવત ગોઠવી શી રીતે શકાય ? અર્થ તો સ્પષ્ટ છે કે ધણીને 'જે અંધારામાં સૂઝે તે પારકાને ધોળે દિવસે ન સુઝે. પણ એનો શબ્દાર્થ શી રીતે ગોઠવવો ? ” આમ વાત ચાલતી હતી ત્યાં બજારમાંથી કંઈ મંગાવવાની વાત ચાલી. બાપુનો તો એ વસ્તુઓના ઉપર કુદરતી રીતે જ કાપ પડે. વલ્લભભાઈ કહે : “ તમે બચાવશો તો જેલવાળા ખાઈ જશે. એ લોકો તો ગમે તે રીતે સોનો હિસાબ કરી મૂકવાના. ‘ મિયાં લૂંટ મૂઠે અને અલ્લા લૂટે ઊટે.” ” બાપુ કહે : લે જોઈ લે, તમારે માટે નવી જાણવાની કહેવત તૈયાર થાય છે.”

* **

આજે હીરાલાલ શાહના કાગળમાંથી બહુ રમૂજ મળી. બાપુને ખગોળનો રસ લાગ્યો એટલે શાહને પૂછયું કે, કાંઈ ઉપયોગી સાહિત્ય હોય તો જણાવો. કંઈક દૂરબીન વિષે પણ માહિતી માગી. એમણે તો એમના સ્વભાવ પ્રમાણે બાપુને ઊંડા પાણીમાં ઉતાર્યા. જ્યોતિષનાં સરસ પુસ્તકો અને નકશા મોકલ્યા. એટલું જ નહીં પણ કાલિદાસનાં નાટકો વાંચવાની ભલામણ કરી. અને દૂરબીન ભાવનગરમાં પટ્ટણી સાહેબ પાસે છે તે મંગાવે, અથવા પૂનામાં છે. ત્રિવેદી પાસે મળી શકે એવી સૂચના કરી. મે બાપુને હસીને કહ્યું : ‘‘ બાપુ, આ તો સંન્યાસીની બિલાડી જેવું થયું.”

૮૭