પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગે. એક પ્રકારની ક્રિયા હોય તેની વિરુદ્ધ ક્રિયા ઉત્પન્ન થાય છે. હા, પણ એ આઈસ નહીં હો, સ્નો જોઈએ. આઈસને કૂટી નાખો અને આઈસની જ ટૅપરેચરમાં રાખો એટલે એ સ્નો” વેટ શીટ પૈકનો તો બાપુએ અનેક કિસ્સાઓમાં અનુભવ કરી જોયો છે. ગંગાબહેન દાઝી ગયાં હતાં અને બળ બળ થતાં હતાં ત્યારે વેટ શીટ પૈક આપ્યો હતો તે યાદ છે. તેમ જ શીતળામાં.

મનુએ પાછો દયાજનક કાગળ લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે માસીએ ભાઈ ને (હરિલાલને) ત્રણચાર તમાચા ચોડ્યા. બાપુએ લખ્યું : “ એ તમાચા માર્યા એ સરસ કહ્યું. એમાં હિંસા નહોતી પણ શુદ્ધ પ્રેમ હતો."

१२-४-'३२ આશ્રમના ઈતિહાસમાં ગઈ કાલે સત્યવ્રતની ઉપર. વિસ્તારથી બાપુએ લખાવ્યું હતું. આજે જાણતાં અજાણતાં સત્યનો ભંગ કરવાનો આપણને કેવો સ્વભાવ પડી ગયો છે એનો સવારના પહોરમાં જ દાખલો બન્યો. મર્ન નામનો સ્કૉચ કેદી અમારી પડોશમાં છે. એણે ઇન્સપેક્ટર જનરલને માટે રંગવાને માટે આવેલી એક એટેચી (પેટી) ઉપર એનું નામ અગ્રેજીમાં ધોળા અક્ષરે ચીતર્યું હતું. ઇન્સપેક્ટર અને જનરલની વચમાં જોડનારુ ચિહ્ન(-)કાઢયું હતું. જેલરે તેને કહ્યું આ ચિહ્ન ન જોઈ એ, એ કાઢી નાખો. એ બિચારો એ લઈ ને કાઢવા જતો હતો, પણ મને વરંડામાં બેઠેલા જોયો એટલે પૂછયું : " એ જેલર કહે છે તે સાચું છે ? આ ‘હાઈફન’ ન જોઈ એ ?” હું હસ્યો અને મેં એને કહ્યું : " જેલર તમારા કરતાં વધારે સારુ અંગ્રેજી જાણતા હશે." બાપુએ કહ્યું : “ હાઈફન કાઢી નાખો, એ નહીં જોઈ એ એ વાત સાચી છે.” એ ગયો એટલે બાપુ કહે : “ તમારા જવાબમાં સત્યના કેટલા બધા ભંગ હતા ? જાણે એને તો બિચારાને ખબર જ ન પડે કે તમે શું જવાબ આપવા ઈચ્છો છો. તમે એમ કહેવા ઈચ્છો કે જેલર તમારા કરતાં અંગ્રેજી ઓછું જાણે પણ અનુભવ વધારે એટલે એનું માનવું, તો ભાવ વિરુદ્ધ જ હતો. એનું ન માનવું એમ કહેવું હતું તો સ્પષ્ટ કહી શકતા હતા. અથવા તમે તો ‘નરો વા કુંજરો વા'નો ન્યાય વાપર્યો. "

મેં ચૂપચાપ સાંભળ્યા કીધું. આખી ટીકા યથાયોગ્ય હતી.

આજે એક કાગળ લખાવાનો હતો તે વેળા હું કાંતતો હતો એટલે બાપુ કહે : " એનું કાંતવાનું તો ન જ છોડાવી શકાય." વલ્લભભાઈ કહે: "મને લખાવો." બાપુ કહે : " ભલે, તમારી ઉપર મને દયા આવે એમ નથી." લખાવ્યો. પણ સાંજે તે એથી વધારે આકરું કામ બાપુએ

૯૨