પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
સાધ્વી મેરી કાર્પેન્ટર

કામ કરે છે તેમની અવસ્થા પહેલાં ઘણી શોચનીય હતી. ઘણી નાની વયનાં બાલકબાલિકાઓ પણ એમાં કામ કરતાં અને મોટી ઉંમરના મજુરોને ગજા ઉપરાંત મહેનત કરવી પડતી. એમ છતાં પણ એમને પૂરતી મજુરી મળતી નહિ. મેરી કાર્પેન્ટર મુંબઈ, અમદાવાદ વગેરે શહેરનાં કારખાનાંઓમાં જઈને ત્યાંના મજુરોની સ્થિતિ જાતે જઈ આવ્યાં. તેમની દુર્દશાથી તેમનું ચિત્ત ઘણું વ્યથિત થયું અને પાંચ વર્ષનાં તથા તેની અંદરનાં બાળકોને નોકર નહિ રાખવાના અને પુખ્ત વયના મજુરો પાસેથી પણ ગજા ઉપરાંતની મજુરી નહિ કરાવવાના કાયદા ઘડાવવા યત્ન કરવા લાગ્યાં. મુંબઈ શહેરની કાપડની મીલમાં કામ કરનારાં બાલકબાલિકાઓને ભણાવવાનો બંદોબસ્ત કરવાનો તેમના માલિકોને ઉપદેશ આપ્યો. એ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં કેદખાનાના કેદીઓ અને કારખાનાંના મજુરોના કામ કરવાનો સમય નક્કી કરવાના પ્રયત્ન કરતાં. એ જાણતાં હતાં કે, ઇંગ્લઁડની માફક ભારતવર્ષમાં પણ કાયદા-મારફતે કારખાનાનાં બાલકબાલિકાઓના શિક્ષણનો બંદોબસ્ત અને મજુરોને મહેનત કરવાનો સમય નક્કી નહિ થાય તો તેનું પરિણામ ઘણું ખરાબ આવશે. એવા વિચારથી તેમણે હિંદુસ્તાનના સેક્રેટરી ઑફ સ્ટેટ આગળ પોતાના વિચારોનું પ્રયોજન સાબીત કરી આપીને એક અરજી મોકલી અને તેમના યત્નથીજ ભારતસરકારે ‘ફેક્ટરી એક્ટ’ (કારખાનાનો કાયદો) પસાર કર્યો.

કેદખાનાની સુધારણા

મેરી કાર્પેન્ટરે જે બધાં પરોપકારી કાર્યો કર્યાં હતાં તેમાં ભારતનાં કેદખાનાંઓની સુધારણા એ ઉલ્લેખ કરવા યોગ્ય મુખ્ય બનાવ છે. ચોરી, ધાડ અથવા ખરાબ ચાલચલણને માટે સરકાર તરફથી સજા ભોગવતા કેદીઓ ઉપર પણ મેરી કાર્પેન્ટરે મધુમય સ્નેહનો સંચાર કર્યો હતો. એ એવાં કરુણ હૃદયનાં અને ક્ષમાશીલ રમણી હતાં કે, કારાગારવાસીઓ પણ તેમની દૃષ્ટિમાં ક્ષમાને પાત્ર ગણાતા હતા. એ સમજતાં હતાં કે, અપરાધીઓને કેવળ સખ્ત સજા કર્યાથીજ તેમનું ચરિત્ર સુધરશે નહિ. તેમને ધર્મ અને નીતિનું શિક્ષણ આપીને ચરિત્રવાન બનાવવાની આવશ્યકતા છે. તેમની તંદુરસ્તી સુધારવા શિક્ષણ તથા જ્ઞાનોન્નતિને માટે બંદોબસ્ત કરવામાં મેરી કાર્પેન્ટરે મનને પરોવ્યું.