પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
મહાન સાધ્વીઓ

પિતાના ઘરમાં તારે માટે સ્થાન નથી, તું મારા ઘરમાંથી ચાલી જા.”

કુમારી કૉબે તરતજ પિતૃગૃહનો ત્યાગ કર્યો. હાય ! એ પિતૃગૃહની સાથે તેમનાં કેટલાં સુખોની યાદગીરીઓ જોડાયલી હતી ! એ ઘરમાં એ સુખમાં ઉછર્યાં હતાં તથા ઉંચા પ્રકારનું શિક્ષણ પામ્યાં હતાં. એ ઘરમાંજ એમણે પિતાનો વિમળ સ્નેહ અને જનનીનો અનુપમ પ્રેમ ભોગવ્યો હતો ! આજ પિતાના હૃદયમાં બાણ મારીને તેમને એજ ઘરનો ત્યાગ કરવો પડ્યો. પરંતુ ઉપાય શો ? ઘણું અધ્યયન કરીને, ઘણા દુઃખ વેઠીને, આંખમાંથી અનેક આંસુ પાડીને, ઈશ્વર પાસેથી તેમણે જે ઉજ્જ્વળ સત્ય અને જીવતોજાગતો ધર્મ પ્રાપ્ત કર્યો હતો, તેનો શું એ ત્યાગ કરી શકે ? એમ કર્યાથી એમનો જન્મારો વ્યર્થ ન જાય ! કુમારી કૉબ પિતૃગૃહમાંથી કાઢી મૂકાયા પછી, પેાતાના એક મોટા ભાઇના આશ્રયમાં જઈ રહ્યાં. ત્યારપછી એમણે અમેરિકાના ધાર્મિક મહાત્મા થિયોડર પાર્કરને એક પત્ર લખ્યો. પાર્કરે એ પત્રના ઉત્તરમાં જે કાંઇ લખી મોકલ્યું; તે અતિ ચમત્કારી, હૃદયસ્પર્શી અને ઉંડા ધર્મભાવથી ભરપૂર હતું. એ પત્રની સાથે પાર્કરને એક ઉંડા તત્ત્વચિંતન અને દલીલોવાળો ઉપદેશ કૉબના હાથમાં આવ્યો. એ પત્ર તથા ઉપદેશ વાંચીને એ વિદુષી સાધ્વીએ ધર્મજીવનના એક ઉંચા પગથીઆ ઉપર પગ મૂક્યો. પૂર્વાકાશના રાતા રંગના અરુણની છટાની પેઠે, એક પ્રકાશ એકદમ તેમની આગળ પ્રકાશિત થયો. તેમણે એ દિવ્ય પ્રકાશમાં સત્યનું દર્શન કર્યું. એ સ્પષ્ટ સમજી શક્યાં કે, મૃત્યુથી દેહનો નાશ થાય છે, આત્માનો નાશ થતો નથી. આત્મા અમર છે, આત્માની ઉન્નતિ થયાજ કરવાની છે. એ ધર્મપરાયણ સાધ્વીને જ્યારે આત્માના અમરપણામાં અને પરકાળમાં જરા પણ સંશય રહ્યો નહિ, ત્યારે તેમના હૃદયસાગરમાં આનંદ ઉછાળા મારવા લાગ્યો. સંસારમાં એ પોતાને ઘણાં ભાગ્યશાળી ગણવા લાગ્યાં.

કુમારી કૉબ નવ કે દશ મહિના ભાઈના ઘરમાં રહ્યાં. એમના ગયા પછી પુત્રીવિયોગથી એમના પિતાનું હૃદય આકુળવ્યાકુળ થઈ ગયું. એમણે પુત્રીને પોતાને ઘેર પાછી આવવાને આમંત્રણ મોકલ્યું. કુમારી કૉબ પાછાં પિતાને ઘેર ગયાં. એ વખતે પણ ઘરમાં કર્તાહર્તા થવાનો ભાર એમના ઉપર આવી પડ્યો. રાતદિવસ પિતૃસેવા કરીને તેમની મનોવેદના દૂર કરવાનો તેમણે યત્ન કર્યો,