પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
પરિશિષ્ટ

છે. ટુંકામાં જે સ્ત્રીઓ ભગિનીસંપ્રદાયમાં જોડાવા ઇચ્છતી હોય તેમાં બે ગુણ તો ખાસ હોવા જ જોઈએ. એક તો ભૂખ અને ઉજાગરા વેઠી મહેનત કરવાની શક્તિ અને બીજુ ઉપરિવર્ગના હુકમમાં રહેવાની શક્તિ. તેથી સ્વતંત્ર પ્રકૃતિવાળી દોરાને હવે ઘણી સખ્ત કસોટી આવી. તેને બિછાનાં પાથરવાં પડતાં, ઓરડા સાફ રાખવા પડતા અને રાંધવું પણ પડતું. એક દિવસે દોરાએ બિછાનાં તૈયાર કરી રાખ્યાં હતાં. એવામાં મુખ્ય બાઈએ આવી કેટલોક ઠપકો દઈ વધારે સારી રીતે પથારી કરવાનો હુકમ આપી ગઈ. દોરાને સાદાઈ વધારે ગમતી હોવાથી ટાપટીપ કરવાનું તે જાણતી નહોતી. આથી ઉપરિઓનો ટાપટીપનો પ્રેમ જોઇને દોરા ઘણાજ દુઃખી હૃદયે ત્યાંનું કામ શીખવા લાગી. તેને મનગમતાં કામ કરવાનો લાગ જેવો ઉલ્સ્ટનમાં મળતો તે અહીં ન મળવાથી તે મનમાં ઘણી દુઃખી થવા લાગી. અંતે થોડાક દિવસ પછી તેને અર્મસ્બી રોગી આશ્રમમાં મેકલવામાં આવી. આ આશ્રમમાં વધારે રોગીઓ નહિ હોવાથી રોગીની બરાબર સેવા કરવાની તક મળેલી સમજીને દોરા ખુશ થઈ. અહીં તેને કેાઈ વાર એકલાં તો કોઈ વેળા બીજી ભગિની સાથે મળી કામ કરવું પડતું હતું. બર્મિંગહામ નગરથી ત્રણ કોશ ઉપર વાલ્સ્ટન નામની જગ્યામાં એક નાની હોસ્પિટલ સ્થપાઈ હતી. પહેલાં એ ઘણું રમણીય સ્થળ હતું. ચોતરફ સુંદર અરણ્ય હોઈ તેમાંથી નાના નાના પુષ્કળ ઝરાઓ વહેતા હતા, પણ હવે આ અરણ્યોનું આગવું સ્વાભાવિક સૌંદર્ય નાશ પામ્યું હતું. હવે તો હજારો માણસો ત્યાં રહેતા અને પુષ્કળ કોલસા અને લોઢું ખોદી કાઢતા, વાલ્સ્ટનમાં હવે ૩૫૦૦૦ માણસોની વસ્તી હતી. મજૂરોની હાલત ઘણી ખરાબ હતી. જમીનમાં છેક નીચે જઇને ઘોર અંધારી ખાણમાં એક એક બત્તીની મદદવડે ભીમબળથી હજારો મણ કોલસા અને લોખંડની માટી તેમને ખોદવી પડતી. હવા ઘણીજ થોડી અને તેમાં વળી અંધકાર એટલે દેખાવ એવો બિહામણા કે જેમણે કોલસાની ખાણ જોઈ ન હોય તેમના ખ્યાલમાં આ વાત આવી શકવી મુશ્કેલ છે. આટલેથીજ એમની પીડાનો અંત આવતો નહોતો. કોઈ કોઈ વાર ખાણના ઉપરનો ભાગ પડી જતો. વળી એક જાતનો ગેસ સળગી ઉઠતો અને ભયંકર આગ લાગતી ત્યારે પણ ઘણાં માણસેના જીવ જતા. વારંવાર કોઈના હાથપગ ભાગતા તે કોઈને માથે મોટા જખમ થતા.