પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
પરિશિષ્ટ

૩ — રોગી આશ્રમ (ઇ. સ. ૧૮૬૭ – ૧૮૭૪)

દરવર્ષે રોગીઓની સંખ્યા એટલી બધી વધવા લાગી કે વાલ્સલની હૉસ્પિટલની નાની જગ્યા પૂરી પડતી નહોતી. બીજા વધારે રોગીને રાખી શકાય એવો બંદોબસ્ત કરવાની હવે જરૂર પડી. વિશેષ કરી જે જગ્યાએ હૉસ્પિટલ સ્થાપી હતી, ત્યાંની હવા જોઈએ તેવી સારી ન હોવાથી રોગી સ્ત્રીપુરુષો જલદીથી સારાં થતાં નહોતાં. જખમી માણસો દશ દિવસમાં સાજા થાય તેવા ઝખમ રૂઝાવાને એક મહિનો લાગતો. હૉસ્પિટલના ઉપરીઓએ એક ઉડતા રોગને હૉસ્પિટલમાં દાખલ થયેલો જોઈ એક સારી હવાવાળી જગ્યા પસંદ કરી ત્યાં એક મોટી હોસ્પિટલ બનાવવા નક્કી કર્યું.

વાલ્સલનગર એક પહાડપર આવેલું હતું, પહાડની એક જગ્યાએ કેટલીક ખુલ્લી જમીન હતી. હૉસ્પિટલના ઉપરીઓએ આ જગ્યા પસંદ કરી વેચાતી લીધી. આ સ્થળે નવું રોગી આશ્રમ બંધાવવા પૈસાની જરૂર પડી. ભગિની દોરાએ આ કામમાં પોતાનો ઘણો પૈસો આપ્યો તથા બીજા માણસો તેમાં ખુશીથી મદદ આપવા લાગ્યા, જેથી પૈસાની તાણ પડી નહિ. જે કામનો ઉદ્દેશ ઉત્તમ હોય છે તેમાં મદદગાર પરમાત્મા પોતે પણ થાય છે. નવી હૉસ્પિટલમાં ૨૮ રોગી રહી શકે એવો બંદોબસ્ત કર્યો હતો અને જરૂર પડતાં વિશેષ રોગી રહી શકે એવી વ્યવસ્થા રાખી હતી. સુંદર અને મોટું રોગી આશ્રમ તૈયાર થઈ જવાથી ભગિની દોરા ઘણીજ આનંદિત થઈ હતી. આશ્રમની ચારે બાજુએ સુંદર લીલા રંગની મનોહર વૃક્ષલતાથી પૂર્ણ બગીચો બનાવવામાં આવ્યો હતો. હૉસ્પિટલની પાસેથી રેલ્વેનો રસ્તો જતો હતો. બગીચાથી તથા પાસે રેલ્વેગાડીના જવા આવવાથી રોગીઓને ઘણો આનંદ ઉપજતો હતો. મતલબ કે, હોસ્પિટલનું આ સ્થાન અતિ ઉત્તમ હતું.

ઇ. સ. ૧૮૬૮ માં દોરા જૂની હૉસ્પિટલ છોડી નવી હૉસ્પિટલમાં ગઈ. નવા આશ્રમમાં ઘણા રોગી આવ્યા, જેથી દોરાની મહેનત ઘણી વધી પડી. હૉસ્પિટલના ઉપરીઓએ આ વેળા તેના ઉપર રોગીની સેવા કરવાના તથા ખવરાવવા વગેરેના ભાર નાખ્યા.

નવી હૉસ્પિટલમાં આવ્યા પછી થોડે દિવસે વાલ્સલ નગરમાં શીતળા રોગ ફેલાયો. જે ફળિયામાં માણસોની સંખ્યા વધારે તે ફળિયામાં વધારે જોવામાં આવતો. રોગ કોઇ વાર ઓછા તો કોઇ વાર ઘણાજ જોરમાં જણાતો. આખા શહેરના લોકોને તોબા તોબા