પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
સાધ્વી બહેન દોરા

લોકો હૉસ્પિટલમાં આવી પોતપોતાની જરૂર જણાવી દોરા પાસે જતાં. કોઈ સ્ત્રી પોતાના ધાવણા પુત્રને ઘેર રાખીને આવી છે તો કોઈ ખાણમાં કામ કરતાં ઘણોજ ભયંકર રીતે જખમી થઈને આવ્યો છે ! આવી હાલતમાં દોરા પંડની પણ દરકાર નહિ કરતાં એમની સેવા કરવામાં મંડી રહેતી. આથી કોઈ કોઈ વાર એવો પણ પ્રસંગ આવતો કે તેને ભીજાયલાં કપડાં પહેરી રહેવું પડતું. કપડાં બદલતાં જે વખત જાય તેટલામાં રોગીને નુકશાન પહોંચવા સંભવ હોય તો પોતે કહેતી કે, મારા કપડાનું પાણી શરીરમાં સૂકાઈ જશે તો કાંઇ નુકસાન થનાર નથી. તેને મોંએ આ વાત સાંભળી કોઇ તેને અટકાવી શકતું નહિ. પરંતુ એવા શારીરિક નિયમના ઉલ્લંઘનથી દોરાને સખ્ત મંદવાડ લાગુ થયો. દોરા ખાટલામાં માંદી પડી સૂતી હતી ત્યારે ગામના ગરીબ લોકોનાં ટોળેટોળાં તેને જોવા આવતાં. હૉસ્પિટલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઇ. સૌના મોંમાં “ભગિની દોરાને કેમ છે ?” એ સિવાય બીજી વાત નહોતી. ભગિની દોરા સર્વ ગરીબોમાં આવી રીતે જાણીતી થઇ ગઇ, તે પછીજ હવે તવંગર માણસોએ તેને ઓળખી.

મંદવાડમાં દોરાની અસાધારણ સહનશીલતા જોઈ સૌ કોઈ અજાયબ થવા લાગ્યાં. બાળપણથી જ તેને રોગથી થતાં દુઃખ શાંતિથી વેઠવાનો અભ્યાસ હતો. એક પાદરી પોતાની દીકરી સાથે રોજ તેને જોવા આવતા હતા. દોરાનું આવું ભયંકર દુઃખ જોઇ તે દુ:ખી થતા, પણ દોરાને આ યાતના પ્રફુલ્લ વદને સહન કરતી જોઈ આશ્ચર્ય પામતા. એક વેળા એ પિતાપુત્રી બેઉ ભગિની દોરાને જોવા આવ્યાં. પાદરીએ તેને ધર્મ ગ્રંથ વાંચી સંભળાવવાનો આરંભ કર્યો. એ વેળા દોરાએ કહ્યું કે “મહારાજ ! જરા થોભો” એટલું કહી તેણે હસતું મોઢું ફેરવી લીધું, અને ધાર્મિક ભાવાવેશને લીધે તેનું શરીર કંપવા લાગ્યું; આંખમાંથી આંસુ પડ્યાં. પાદરીની કન્યા બીજી બાજુએ બેઠેલી હોવાથી તેણે આ જોયું હતું. એ પછી થોડીજ વારમાં દોરા પાછી હસતે મુખે પાદરી તરફ જોઈને બોલી “હં, હવે આગળ વાંચો.” પાદરી ઘેર ગયા પછી પુત્રી પાસે ઉપલી વાત સાંભળીને અજાયબ થયો હતો. આ મંદવાડમાંથી ઉઠ્યા પછી તે કહેતી કે “મારા રોગની શાંતિ માટે દેવળમાં સૌએ પ્રાર્થના કરી હતી તેથીજ આટલું જલદી સારું આરોગ્ય પાછું મેળવ્યું છે.”