પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
પરિશિષ્ટ

ચલાવવા લાગ્યા. તેઓ ચારે બાજુ કેર વર્તાવતા. પછી અમારો વારો પણ આવે. એક વખતે અર્ધી રાત્રે પરદેશીઓ અમારા ગામમાં આવી લાગ્યા. અમે જેમ આવે તેમ દોડવા લાગ્યાં, પણ આ વખતે જોનના શાંત મગજે ઘણી સારી સેવા બજાવી. તેણે અમારી સરદારી લીધી, અને આ નકામી દોડધામને ફૂચના રૂપમાં ફેરવી નાખી. આટલી નાની છોકરીનું આ વીરતાભરેલું કામ ઘણું પ્રશંસાપાત્ર હતું.

જોનને હવે સોળ વર્ષ થયાં હતાં. તેનું આખું બદન ભભકભરેલું અને ભવ્ય લાગતું. તેનું સૌંદર્ય અનુપમ હતું. તેના મુખકમળ ઉપર એટલું બધું માધુર્ય, ગાંભીર્ય અને એટલી બધી પવિત્રતા હતી, કે તે દેવાંશીજ લાગતી. વળી તેની ધાર્મિક વૃત્તિ પણ બહુ ઉંડી હતી. આવી વૃત્તિવાળાં માણસોનાં મુખ કંઇક શોકાતુર હોય છે, પણ જોનનો આત્મા આનંદિતજ રહેતો. કોઇ વખત તે દુઃખી જણાતી, તો તે માત્ર પોતાના દેશના વિચારને લીધેજ.

અમારા ગામનો વિનાશ થયો હતો. બધાં ઘર બાળી નાખવામાં આવ્યાં હતાં. દેશમાં આવા લૂંટારાઓ કેટલો ત્રાસ આપતા હશે, તેની ખબર હવે અમને અનુભવથીજ પડી.

કરની તો વાતજ ન પૂછવી. દેશ બહુ ખરાબ સ્થિતિમાં હતો, અને કરનું લાકડું બહુ જબ્બર હતું.

જોને કહ્યું :– “આપણી પાસે કંઈ ન હોય, અને કર ભરવા; એમ ફ્રાન્સ ઘણાં વર્ષથી કરતું આવ્યું છે, પણ હવે આપણને અનુભવ મળ્યે તેની કડવાશ માલૂમ પડશે.”

વળી એક બીજી વાત બની. અમારા ગામના ગાંડા માણસને કોઈએ મારી નાખ્યો હતો, તે દેખાવજ ભયંકર હતો. કોઈ માણસને આવી રીતે મરી ગયેલો અમારામાંથી કોઇએ પણ જોયેલો નહોતો, તેથી અમારી આંખો ત્યાંની ત્યાંજ ઠરી રહી; પણ જોન તો ત્યાંથી નાસી જ ગઇ, અને ત્યાં પાછી આવીજ નહિ. ઘાતકી ઉપાયોથી નીપજેલાં મરણ જોવાને અમને કેટલાંકને શોખ હતો; પણ અમારું જીવન શાંતિમાં વહી ગયું. જોન કોઈને મરી ગયેલું જોઈ ડરતી, તોપણ થોડાજ વખતમાં તેને રણસંગ્રામમાં જવાનું પ્રભુ તરફથી નિર્માણ થઈ ગયું હતું અને ત્યાં આવા અનેક દેખાવો તેને જોવાના હતા.

અમને લાગતું કે, અમારા ગામ ઉપર ધાડ આવી એ બહુ