પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મહાન સાધ્વીઓ

વ્યતીત થઈ. બીજે દિવસે સવારે ક્ષુધાતુર બાળકો બાલવા લાગ્યાં કે “મા ! આપણે અહીંઆં કેમ આવ્યાં છીએ, ચાલોને આપણે મહેલમાં જઈએ. અમને મહેલમાં લઈ જાઓને.”

માતા સંતાનોને કાંઈ પણ કહી શક્યાં નહિ. એમણે લોકોને બારણે બારણે ભ્રમણ કર્યું; પણ કોણ એમને આશ્રય આપે ? છેવટે એક આશ્રમના પાદરીએ સાહસ કરીને દુઃખી રાણીને એક સ્થાન રહેવા માટે આપ્યું. ઇલિઝાબેથની પાસે પૈસાટકા કાંઇ પણ નહોતું, ફક્ત બે–એક દાગીના હતા. એ દાગીના ગીરો મૂકીને રાણીએ ભોજનસામગ્રી ખરીદ કરી. ત્રણ સંતાન અને એક દાસી એ ગરીબીનું ભોજન ખાઈને ભૂખ મટાડી.

પરંતુ એ આશ્રમમાં પણ ઇલિઝાબેથને રહેવાની વધારે સગવડ મળી નહિ. રાજ્યના અમલદારોએ તેમને એ સ્થાનમાંથી પણ કાઢી મૂક્યાં. હવે એમનાથી સંતાનનું દુઃખ સહન થઈ શક્યું નહિ. પોતાનાં ત્રણ પ્યારાં સંતાનોને દૂર દેશાવરમાં બંધુઓના હાથમાં સોંપ્યાં. તેઓને એ પ્રમાણે આશ્રય મળ્યો. હવે ઇલિઝાબેથને તપસ્યા સિવાય બીજું કાંઈ રહ્યું નહિ; એટલે તેમણે દેહદમન શરૂ કર્યું. આખો દિવસ ઈશ્વરના ધ્યાનમાં મગ્ન રહીને એ પોતાનું ભાન ભૂલી જવા લાગ્યાં. તેમના અંતરમાંથી પ્રાર્થના નીકળવા લાગી કે “હે મારા વહાલા પ્રભુ ! આ શું ? તું સંપૂર્ણ રૂપે મારો છે, હું સંપૂર્ણ રૂપે તારી છું. હે મારા ઈશ્વર ! હું એ માગું છું કે, હું સંસારની સઘળી વસ્તુઓ કરતાં તને અધિક ચાહી શકું. મારી સર્વ વૃત્તિઓ, સર્વ ભાવનાઓ, સઘળી શક્તિ અને સમસ્ત સ્મૃતિ આપીને તને જ ચાહી શકું.”

પ – દેવી

ઇલિઝાબેથના એક મામા પાદરી હતા. ભાણેજનાં દુઃખની વાત તેમને કાને પહોંચી. એ એમને પોતાને ગામ લઈ ગયા અને ત્યાં એક હવેલીમાં એમને ઉતારો આપ્યો પછી એ સંતાનવત્સલા જનનીએ પોતાનાં છોકરાંઓને પાછાં પોતાની પાસે બોલાવી લીધાં. એ વખતે મામાએ એક દિવસ મમતાને વશ થઈને ભાણેજીને કહ્યું કે “હજુ તારી ઉંમર નાની છે, તું નિરાધાર છે; એટલા માટે કોઈ સારા આબરૂદાર ગૃહસ્થ સાથે તારું લગ્ન કરવાની મારી ઇચ્છા છે. મારી આ સૂચનાને તું પ્રસન્નચિત્તે સંમતિ આપ.”

સાધ્વી નારીએ મામાની એ વાત સાંભળીને કહ્યું કે “મારા