પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
સાધ્વી ઇલિઝાબેથ

સ્વામી મને અત્યંત ચાહતા હતા, એ મારા અતિશય વિશ્વાસુ મિત્ર હતા. મેં તેમની શક્તિ, માન-આબરૂ અને ધનવૈભવ એ બધાનો ઉપયોગ કર્યો છે; પરંતુ આપ જાણો છે કે, હું એ વખતે પણ એ બધા સાંસારિક સુખવૈભવને અસાર સમજતી હતી. સંસારનાં સુખવૈભવ કેવળ દુ:ખ, વેદના અને આત્માનું મૃત્યુ લાવે છે; એટલા માટે મેં એવો સંકલ્પ કર્યો છે કે, મારા પ્રભુ અને પવિત્રાત્મા ઈસુનાજ સહવાસમાં આખું જીવન ગાળીશ.”

ઇલિઝાબેથના નિવાસસ્થાનની ચારે તરફનું દૃશ્ય અતિશય મનોહર હતું. ક્યાંક ગગનસ્પર્શી ગિરિશૃંગ રૂપેરી બરફથી શોભી રહ્યા હતા, ક્યાંક ઝરણાંઓ ખળખળ વહીને અદ્‌ભુત સંગીત ગાઇ રહ્યાં હતાં, ક્યાંક તળાવોનું નિરૂપમ સૌંદર્ય હતું, ક્યાંક હરિયાળાં ખેતરોની શોભા હતી તો કોઈ સ્થળે કુસુમોદ્યાન પુષ્પ અને પલ્લવથી શોભી રહ્યાં હતાં. વાયુના સ્પર્શથી એ પુષ્પોની સૌરભ ચારે તરફ ફેલાઇ રહી હતી. ઇલિઝાબેથ પ્રકૃતિનું આ મનોહર દૃશ્ય જોતાં જોતાં અપાર સુંદર સત્ય પરમાત્માના રૂપમાં ડૂબી જતાં; તેમના અંતરમાં પ્રભુ પ્રેમ ઉછળતો હતો. એ લગભગ હંમેશાં છોકરાંઓને સાથે લઈને પૃથ્વીનું અનુપમ સૌંદર્ય નિહાળતાં નિહાળતાં ઈશ્વરના મહિમાનું કીર્તન કરતાં.

ઇલિઝાબેથને સ્વામીના મૃત્યુ પછી પણ સંસારમાં થોડુંક બંધન હતું; પણ હવે આ વિશ્વમાં તેમને કાંઈ બંધન રહ્યું નહિ, આસક્તિ રહી નહિ, કાંઇ પણ કામના રહી નહિ. હવે એ સર્વભાવે પરમેશ્વરમાં આત્મસમર્પણ કરી અચળ ધામ પામવા માટે તેનેજ પાતાનું સર્વસ્વ સમજીને સર્વ પ્રકારે સંયમ તથા ધ્યાનચિંતન કરવા લાગ્યાં.

અમે ઉપર રાજા લૂઈના મૃત્યુની વાત લખી ગયા છીએ; પરંતુ એમની અંત્યેષ્ટિક્રિયા વિષે કાંઈ લખ્યું નથી. વિદેશમાંજ એમની સમાધિ થઈ હતી. કબરમાં તેમનો દેહ પોઢાડવામાં આવ્યો હતો. આટલા બધા દિવસ પછી જર્મનીના અનેક આબરૂદાર લોકો કબરમાંથી એ ધાર્મિક રાજાના દેહનું હાડપિંજર ખોદીને દેશમાં લઈ આવ્યા. તેઓ સેક્સનીમાં જવા પહેલાં એ શબ લઈને ઈલિઝાબેથ પાસે આવ્યા. અનેક દેશના મોટા મોટા પ્રતિષ્ઠિત કુટુંબના, નાઈટનો ખિતાબ ધરાવનારાઓ અને વીર પુરુષો તથા સૈનિકો મૃતદેહની સાથે એ વિધવા રાણી પાસે આવ્યા હતા. ઇલિઝાબેથ