પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
સાધ્વી ટેરેસા

બીજી તારીખ જાણે સ્વર્ગનો પ્રકાશ અને પવિત્રતા લઈને ટેરેસાની સન્મુખ આવી પહોંચી. એ પ્રકાશનો સ્પર્શ થતાંવારજ તેનું ચિત્તરૂપી કમળ ખીલી ઉઠયું અને તેના હૃદયનો તાર એક અવનવો સૂર વગાડવા લાગ્યો. આખરે ટેરેસાના અંતરમાં પવિત્રતા જાગી ઉઠી. પિતાના સ્નેહનું બંધન છોડી નાખીને-સંસારના સુખને લાત મારીને, સંન્યાસિની થવા સારૂ એ ઘરની બહાર નીકળી. એ વખતે ટેરેસાનું વય માત્ર અઢાર વર્ષનું હતું.

ટેરેસાએ પિતૃગૃહ છોડીને એક માઈલ દૂર એવિલા નગરમાં સંન્યાસિનીના મઠમાં પ્રવેશ કર્યો. પછી તેને સંન્યાસિની થવાનો દિવસ આવી પહોંચતાં તેમના સ્નેહાળ પિતા કન્યાને જોવા સારૂ ઉપાસના મંદિરમાં ગયા. હાય ! એક દિવસે જે સુકુમારી ટેરેસા સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને પેાતાના સૌંદર્ય માટે લોકોમાં વિસ્મય ઉત્પન્ન કરતી હતી, તેજ ટેરેસાના માથાના સુંદર વાળ આજે કાતરી નાખવામાં આવ્યા છે. અંગ ઉપર એક પણ દાગીનો નથી. પહેરવેશ સાદા સંન્યાસિનીના જેવું છે, પરંતુ એ અલંકારવગરની ટેરેસાની મૂર્તિમાં એક અપાર્થિવ જ્યોતિનું નિરીક્ષણ કરીને તેમના પિતા ચોંકી ઉઠયા. તેમના મનનું દુઃખ જરા શમી ગયું. જોતજોતામાં સંન્યાસવ્રતનો શુભ સંસ્કાર સમાપ્ત થઈ ગયેા અને પિતા ઉદાસ મને ઘેર પાછા ફર્યા.

ટેરેસાએ સંન્યાસિની થયા પછી પોતાની અસાધારણ શક્તિનો પ્રયોગ પોતાના હૃદય અને મન ઉપર કરવા માંડ્યો. દુર્જય પ્રતિજ્ઞાના બળે તેમણે એક વર્ષ સુધી આશ્રમના કઠેાર વ્રતનું પાલન કર્યું. પરંતુ કેવળ બહારના નિયમો પાળ્યાથી કાંઇ ધર્મની પ્રાપ્તિ થાય છે કે ઈશ્વર મળે છે ? એથી ટેરેસા એટલા દિવસ સુધી પોતાના હૃદયમાં ઈશ્વરનો આવિર્ભાવ અનુભવી શક્યાં નહિ. તેમનું ખાલી પડી ગયેલું મન માત્ર બાહ્યાચારવડે પ્રભુ પ્રેમથી ભરપૂર થયું નહિ, એ આશ્રમના બાંધેલા કાયદા પાળતાં હતાં, પરંતુ તેમનું શરીર એ બધુ કષ્ટ સહી શકયું નહિ. શરીર ભાંગી ગયું. વખતોવખત એમને મૂર્ચ્છા આવવા લાગી.

ઈ. સ. ૧૫૩૫ માં ટેરેસા દવા કરાવવા સારૂ પિતાને ઘેર જઈ રહ્યાં. પરંતુ દવાદારૂથી એમને આરામ જણાયો નહિ. ઈ. સ. ૧૫૩૭ માં એ પાછાં આશ્રમમાં ગયાં. પક્ષાઘાતના રોગને લીધે ત્રણ વર્ષ પથારીવશ રહેવું પડયું. મંદવાડના ખાટલામાં પડ્યાં.