પૃષ્ઠ:Mameru.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિટી વેઢ દશે આંગળીએરે, સાદાં મોજાં પહેર્યાં સામળીએરે;
ઘણા વાણોતર છે સાથેરે, કોણે ઝોળા ગ્રહ્યા છે હાથે રે.
ઘણા સેવક સેવામાં સજરે, ઉદ્ધવના હાથમાં ગજરે;
પ્રભુ પુંઠે કમળા રાણીરે,સભા મોહી જોઇ શેઠાણીરે.
ઉતર્યાં નાગરીઓનાં અભિમાનરે, જાણે ઉગ્યા શશિયર ભાણરે;
ભલું ભાલ ભ્રમર રુડી રાજેરે, રત્ન જડીત રાખડી છાજેરે.
વિશાળ લોચન ચંચળ ચાલેરે, કે શું ખંજન પડિયાં ગાલેરે;
છે અધર બિંબ પરવાળીરે, મસ્તક ઉપર વેણ વિશાળીરે.
બાજુબંધ ગલુબંધ માળરે, નાકવેસર ઝાકઝમાળરે;
કટી ઘમકે ક્ષુદ્ર ઘંટાળીરે, પહેરણ ચંપકવરણી સાડીરે.
ઝમકે ઝાંઝર ઉજ્જવલ પાગેરે, વિછુવા અણવટ બહુ વાગેરે;
જડાવ ચૂડો કંકણ ખળકાવેરે, માયા મહેતી રુપે આવેરે.
મોહી સભા લક્ષ્મીને નિરખીરે, દેવી દીસે વાણિયણ સરખીરે;
લલિતાવિશાખા એ ખવાસીરે, છે ભક્તિ મુક્તિ ચારે દાસીરે.
આવ્યા સજોડે દેવાધિદેવરે, મહેતે હરિ ઓળખ્યા તતખેવરે;
ભલે આવ્યા શેઠ શ્યામળિયારે, મહેતો માધવજી શું મળિયારે.
મળતાં બોલ્યા સુંદરશ્યામરે, મારું પ્રગટ ન લેશો નામરે;
રખે વાત અમારી ચરચોરે, તમારે જે જોઇએ તે ખરચોરે.
કુંવર બાઇનાં પૂરો કોડરે, એમ કહી બેઠા રણછોડરે;
પછે સભા સહુ સાંભળતારે, હરિ વચન બોલ્યા છે વળતાંરે.
જાઓ શેઠાણી દુ:ખ કાપોરે, કુંવર બાઇને હૃદિયાશું ચાંપોરે;
એવું કહેતાં કમળા હીંડ્યારે, કુંવરબાઇને હૃદિયાશું ભીડ્યાંરે.
મારી મીઠી ન ભરીએ આંસુરે, તેડો ક્યાં છે તમારી સાસુરે;
મળી નાગરીઓ સેં બેચારરે, જોઇ રુપ મેલ્યો અહંકારરે.
વેવાણ કમળાને એમ પૂછેરે, મહેતા સાથે સગપણ શું છેરે;
કોકિલા સ્વરે અમૃત વાણીરે, ત્યારે હસીને બોલ્યાં શેઠાણીરે.
વેવાણ તમોએ શું નવ જાણિયાંરે, તમો બ્રાહ્મણ ને અમે વાણીયારે;
વેપાર દોશીનો ધેર કોઠીરે, અમારે ઓથ નરસૈંયાની મોટીરે.
અમો ધન મહેતાજીનું લીજેરે, વેપાર કપડાનો કીજેરે;

અમો આવ્યાં મોસાળું કરવારે, ઠાલી છાબ સોનૈએ ભરવારે.