પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નમું નમું તસ્કરના પતિને !
૮૯
 

ઝાલો, ઈછલો વગેરે મિયાંની મીની બની ગયા. માલ કબજે લઈને મહારાજ ફોજદાર પાસે ગયા. ઈછલાનું નામ આપ્યા સિવાય આખા તરકટની વાત કહી સંભળાવી. ફોજદાર કહે,"બળ્યું ત્યારે! એવી ઝડતી નથી કરવી."

[૩]

કાપડની પોટલી હાથ કરી લઈ એક પાટણવાડિયાને ઘેરે મૂકી મહારાજે પાટણવાડિયાની પોતે જે પરિષદ રચી હતી તેની 'કમિટી'ને બોલવી, અને કહ્યું:"કિનખલોડની આ ચોરી કરનાર આપણો ઈછલો છે."

બોલાવ્યો ઈછલાને.

ઈછલો મહારાજના પગમાં હાથ નાખીને કહે કે, "મહારાજ! એ કાપડની ચોરી મેં કરી છે તે ખરું; પણ એ કિનખલોડની નહિ."

"ત્યારે?"

"અલારસા ગામની."

"જૂઠું; અલારસામાં કોઇ ચોરી થઈ જ નથી." આખા પરગણામાં પાટણવાડિયો ગુનો કરે તેના ખબર પોલીસને તો પહોંચતા પહોંચે, મહારાજને તરત પહોંચે.

"થઈ છે, મહારાજ;" ઇછલાએ કહ્યું: "પણ જાહેર નથી થઈ; કારણ કે એમાં જાહેર ન કર્યા જેવી બાબત હતી."

"સાચું કે'છ?"

"ન માનતા હો તો જાવ; પૂછી આવો અલારસે."

કાપડની પોટલી લઈને મહારાજ રાતોરાત પહેલા કિનખલોડ પહોંચ્યા. જેનું કાપડ ચોરાયું હતું તે પાટીદારને માલ બતાવીને પૂછ્યું: "આ તમારું કાપડ?"

માલ જોઇને પાટીદારે કહ્યું: "મારા જેવું ખરું, પણ મારું તો નહિ જ, મહારાજ."

ત્યાંથી ઊપડીને આવ્યા અલારસે ગામે. મુખીને જઈ પૂછ્યું: