પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
માણસાઈના દીવા
 


"વારુ;" મહારાજે કહ્યું : "તને દાણા અલાવી દઉં તો તું આવે?"

"તો આવું."

અધમણ ભાત ખરીદીને મહારાજે શનિયાના ઘરમાં નંખાવ્યા; અને પછી છોકરાના રસી વહેતા શરીરને ઝોળીમાં ઉપાડી મહારાજે ટ્રેનના એક ડબ્બામાં ચડાવ્યું. બીજા મુસાફરો ત્યાંથી ખસી ગયાં બદબો જીવતી નરકનો ખ્યાલ કરાવતી હતી.

ચાલતી ગાડીએ છોકરાને માખીઓ ઉડાડતા મહારાજ એકલા જ સંભાળે છે; બાપનું ધ્યાન દીકરામાં નથી. રાસ ગામને પાધરે જ રેલવે દોડે છે, સ્ટેશન છે; પણ અવતાર ધરીને શનિયો કોઈ દિન આગગાડીમાં બેઠો નથી. આજે એને પહેલો જ પ્રસંગ છે. એનો આનંદ ઉછાળા મારે છે. બારીમાંથી એ ઝાડવાને પાછી દોટ કાઢતાં જોઈ જોઈ નાના બાળક જેવો બની દાંત કાઢી રહ્યો છે. એક વાર તો મહારાજે 'અલ્યા શનિયા, તું આને માખો તો ઉડાડ !' એમ કહી ઠપકો પણ આપ્યો; પણ શનિયો તે વેળા બાપ નહોતો, પતિ નહોતો, કુટુંબની રોટી રળનાર નહોતો : બાળક બની ગયો હતો. પહેલી ને પ્રથમ વાર એણે જીવનના રોજિંદા, એકસુરીલા નિષ્પ્રાણ સંગ્રામ વચ્ચે એક રોમાંચ અનુભવ્યો હતો.

આણંદ ઊતર્યા. છોકરાને ઉપાડ્યો : ઝોલીના આગલા બે છેડા શનિયા પાએ ઉપડાવ્યા, પાછલા મહારાજે ઉપાડ્યા. શનિયો ભાર ઉંચકી શકતો નહોતો. મહરાજે એને કાળજીથી ઊંચકવા કહ્યું. શનિયાએ જવાબ વાળ્યો :

"આ મૂઆનામાં ભાર બૌ છે તો !"

શનિયાના મોંમાંથી ટપકેલો આ વીશેક વર્ષ પૂર્વેનો બોલ આજે મહારાજની છાતીએ ચોંટી રહ્યો છે. ગંધાઈ ગયેલું નાના બાળકનું હાડપિંજર - એમાં તે શો ભાર હોય ! સાવી વાત એ હતી કે શનિયા ખેડુના શરીરમાં કંઈ પોષણ નહોતું.

'મૂઆનામાં ભાર બૌ છે તો !'

એ વાક્યે મહારાજને મૌન પકડાવ્યું.

આણંદની ઇસ્પિતાલે કહેવામાં આવ્યું કે રોજનો રૂપિયો પડશે;