પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
માણસાઈના દીવા
 

આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી શ્વેત ફીણવાળી તરંગ-ટોચ, વિલાસ-મસ્તીના ઉછાળા મારતાં નીર-કદમો અને હ-ડૂ-ડૂ-ડૂ એવા હણહણાટ. ઘોડો આવવાનો થાય ત્યારે આરે આરેથી માછીઓ પોતપોતાની નાવડીઓને ઘોડાની સામે બે'ક માઈલ લઈ જાય, ને નાવનો અને ઘોડાનો જ્યાં સંપર્ક થાય ત્યાં ઘડીભર તો નાવડીને પોતાના પાછલા પડખામાં લપાવી દઈને પછી 'ઘોડો' એને પોતાની માણેક-લટને સ્થાને અગર તો કાનસૂરી વચ્ચેના કોઈક ફૂમતાબંધ શણગારની અદાથી રમદતો-ઝુલાવતો હીંહોટા દેતો દેતો ધસ્યો આવે છે નદીની શયન-સોડમાં.



ઘી-ગોળનાં હાડ !

એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી થયાં. બાઈના હાથમાં બાળક હતું. સાથે વાંસનો ભારો હતો. મહીના આરા પર આવ્યાં કે તરત એક માણસે બૂમ મારી : "જલદી ઊતરો … નહીંતર ઘોડો આવે છે.” મહારાજ તો રહ્યા બાજંદા તરવૈયા, શરીરે પાવરધા, તે પાણીમાં ચાલ્યા. પછવાડે પેલો ભંગી ઊતર્યો, ને વાંસનો ભારો પાણીમાં ખેંચતો ચાલ્યો. એના મનમાં એમ કે બાઈ બાળકને લઈને પાછળ ચાલી આવે છે. પેલે કાંઠે બેઉ પહોંચી ગયા. પછી પાછળ જુએ તો દૂર દૂર બાઈ પાણીની અંદર સજ્જડ બનીને ઊભી થઈ રહેલી ! કાંખમાં છે બાળક.બૂમ પાડી : "અરે બાઈ, ઝટ ચાલી આવ !” પણ બાઈના મોંમાં બોલ નથી, શરીરમાં સંચરાટ નથી. બૂમો પડે છે : "ઘોડો આવે છે ! વાધુ આવે છે !” જે માણસ બૂમો પાડતો આવ્યો તેને પેલા ભંગીએ કહ્યું : "ભાઈ, મારી દીકરીને તું ઉતારી લાવ.” માછી કહે : "શું દઈશ ?” ભંગી કહે : "મારી કને બે આના છે તે આ લે.” “એટલે તો શાનો ઉતારું !” એમ કહેતો એ તો ઢબઢબતો ચાલ્યો