પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
માણસાઈના દીવા
 

મહારાજે દિવાસળી ચાંપી. વેંત-વેંતના ઊંચા બળતા ભડકાને મહારાજ ઊભા ઊભા નિહાળી રહ્યા. "ખરેખર શું આ દાનવ સદાને માટે સળગી જાય છે !' - એમના અંતરની વિમાસણ હતી. એ જ રીતે કઠાણાનો, ખટલાલનો ને સારેલાનો દારૂ બાળ્યો. ને પછી લોકોની ઠઠ વચ્ચે બેઠેલા મહારાજની સનમુખ એક પ્રતિનિધિ આવ્યો. એના હાથમાં એક રાતાચોળ રંગના પ્રવાહીની ભરેલી શીશી હતી. એણે કહ્યું : "લો, મહારાજ."

"શું છે ?"

"આ તમારા માથામાં ઘાલો."

આ તે શું રોનક ! માથામાં તો મૂંડો છે, બે તો ફક્ત કપડાં પહેરું છું, એક ટંક ખીચડી ખાઉં છું - ને આ લોકો માથામાં તેલ નાખવા કહે છે !

"અરે, માથામાં ઘાલો, ઘાલો, મહારાજ !" લોકો ટહુકી ઊઠ્યાં : "આ તો અમે ખાસ માણસ મોકલીને શહેરમાંથી બાર આનાની શીશી મંગાવી છે - તમારા માટે જ મંગાવી છે. તમે જાણો છો - આ શું છે? આ તો છે કામળિયા તેલ !"

કામળિયા તેલ ! શીશી ઉપર કમ્મરે ઢળતા કેશવાળી એક સુંદરીનું ચિત્ર છે! તેલ મહેકી રહ્યું છે. એ 'કમિનિયા હૅર ઑઇલ' ! ઉત્સવ ટાણે બીજાંઓ અત્તરો લગાવે : આ ગામડિયાએ 'કામળિયા તેલ'ને અત્તર ગણ્યું, ને આ ઉપકારકને એ 'કામળિયા તેલ'નો અધિકારી ગણ્યો ! "હાં, આ તો છે કામળિયા તેલ ! શહેરમાંથી ખાસ મંગાવીને આણ્યું છે ! ઘાલો માથામાં !" બોલતાં ગામડિયાંનાં ગળાં ને ગાલ - બંને ફૂલ્યાં.

મોં મલકાવીને મહારાજે શીશી બાજુએ મુકાવી, 'કામળિયા તેલ' - એટલે કામિનિયા હૅર ઑઇલ - અને એના ઉપર ચિત્રમાં ઊભેલી લંબકેશી કામિની : એ બેઉની સૌ પિછાન તે દિવસે થઈ. એ પિછાનને મહારાજ હજુ પણ ભૂલ્યા નથી. આજે પણ 'કામળિયા તેલ'નો કિસ્સો કહેતાં એ ખડખડ હસી પડે છે અને લોકો કરતાં તેવો જ લહેકો