પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક હવાઈએ જલાવેલી જિંદગી
૧૭
 
હતો અને વળી હાથમાં ધારિયું પણ રાખતો, એટલે આવા જવાબ સામે ગરમ બનવાનો એને હક્ક હતો. પણ એણે ગમ ખાધી, અને જમાન બનેલ કાઠિયાવાડી વાણિયાને કહ્યું. શેઠે એને જવાબ આપ્યોઃ" હું કાંઈ એવો જમાન નથી થયો કે ઘરના પૈસા ખરચીને તારું ખોરડું કરાવી આપું. એ તો મુખી પૈસા આપે તો જ કરાવી આપવાનો જમાન બન્યો છું.”

સાંભળીને મોતી બારૈયો જમાન કોને કહેવાય તેના નવા વિચારે પડ્યો. પણ વાણિયાએ જમાન બનતી વખતે પેટમાં ને પેટમાં એ જમાનિયતનો જે પ્રકાર સંઘરી રાખેલો તેની ખબર મોતી બારૈયાને છેક દોઢ વર્ષે પડી, એથી એનું શરીર તપ્યું. એણે કહ્યું કે "એમ પાણીમાં બેસી ગયે ન ચાલે.”

“તો પછી તારાથી થાય તે કરી લેજે.” વાણિયાએ પોતાની સેંકડો ઓલાદો જે બોલીને પછી પસ્તાઈ છે તે બોલ કાઢી નાખ્યા.

એક દિવસ સવારે મોતી બારૈયો ભાગોળે, તળાવને કાંઠે, વાણિયો ખરચુ જઈને આવીને લોટો માંજતો હતો. મોતીએ ખોરડા વિશેની ઉઘરાણી કરી. પ્રભાતે તો કોઈ પોતાના સાચા લેણાની ઊઘરાણી કરે તે પણ માથાના ઘા જેવી બને તો પછી આ મોતી બારૈયાની ઉઘરાણી,જેનું વાણિયા કને કશું માગણું નહોતું તેવા માણસની ઉઘરાણી, ઊગીને હજુ તો સમા થતા સૂરજ મહારાજની સામે ઉઘરાણીઃ શેઠને કેટલી અકારી લાગી હશે તે તો શેઠનો જીવ જ જાણે. મોતી બારૈયો એને 'ઊઠ પાણા, પગ ઉપર' જેવી લપ સમાન જણાયો. ઉપરાંત, અઢાર મહિના સુધી કશું જોર ન કરી શકનાર મોતી એને માલ વગરનો જણાયો હશે તેથી, કે કોણ જાણે શાથી, પણ વાણિયે તળાવને કાંઠે ધડ દેતોક નાગો જવાબ પકડાવી દીધોઃ "જા, તારાથી થાય તે કરજે.”

મોતી બારૈયાને ખભે ધારિયું હતું. એક જ ઘાએ વાણિયાનું માથું ધડથી નોખું પાડીને એ નાસી ગયો. અઢી વરસ સુધી એ સગાવહાલાંમાં