પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાજરી
૩૩
 

બે દિવસ નહિ, પણ દિવસોના દિવસો સુધી; અને એ બધું સ્વારથ વગર ! એવી મૂર્ખાઈભરી માન્યતાને તાબે થવા ચિટનીસના મને ચીટનીસને ના પાડી.

રોજ બ્રાહ્મણ ઊભો હોય, અને રોજ પાછા સૂબા કચેરીમાં આવતા હોય. પાછા સાહેબ બાર વાગે જાય ત્યારે એ–નો એ જ બ્રાહ્મણ પરસાળમાં થાંભલા–શો ઊભો હોય ! જતા–આવતા સૂબા વિચારતા હશે કે, નથી એ મારી પાસે દોડતો આવતો, નથી એ અવાજ કરતો, અને નથી એ મારી સામે સુધ્ધાં જોતો !

એક દિવસ સૂબા આવ્યા. રોજની માફક બ્રાહ્મણને ઊભેલ દીઠો. મેડી પર ચડી તો ગયા; પણ થોડીક વારે બ્રાહ્મણની પાસે પટાવાળો આવી કહે કે, 'ચાલો, સાહેબ બોલવે છે."

"શું ભણ્યા છો ?" ફરી સૂબાએ પોતાની સામે ઊભેલા મૂંગા બ્રાહ્મણને એ–નો એ જ પ્રશ્ન પૂછ્યો.

"કશું નહિ." એ જ જવાબ આવ્યો.

"ત્યારે આ લોકોમાં તમે શું કરશો ?"

"મને ખબર નથી."

"વારુ, જાવ : હું હાજરી કઢાવવાનો હુકમ મોકલું છું."

બ્રાહ્મણ ત્યાંથી નીકળીને સાહેબના ચીટનીસ પાસે રાહ જોતા બેઠા.

થોડી વારે સૂબા સાહેબનો હુકમ ચિટનીસ પાસે આવ્યો, એટલે ચિટનીસે કહ્યું: "હવે તમતમારે જાવ. હુકમ ગામડે આવશે."

"કેમ કરીને આવશે ?"

"કેમ કરીને વળી ? નીચલી ઓફિસમાં નોંધણી થતો થતો શિરસ્તા મુજબ આવશે તમારે ગામડે."

"ના, એમ નહિ." બ્રાહ્મણે ઠંડે કલેજે ઉત્તર વાળ્યો.

"ત્યારે કેમ !" ચિટનીસ ઊંચાનીચા થઇ ગયા.

"તમેતારે નોંધણી કરીને એ હુકમ મને જ દઈ દો."