પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
માણસાઈના દીવા
 

ત્યાં ને ત્યાં બેઠેલા દીઠા. પ્રત્યેક જણ પૂછતું ગયું : "ફરી પાછા કાં બેઠા ?"

જવાબ મળ્યો : "ના, સવારનો જ બેઠેલ છું."

"હજુ શું કોઈની રાહ છે !"

ડોકું હલાવીને મહારાજે પોતાની શરમ અને ગ્લાનિ છુપાવી, પણ પછી તો પોતે ઊઠ્યા. કોઈ ચોરની જેમ ગામમાં ગયા. ખોડીઓ રહેતો હતો તે મહોલ્લામાં પેઠા. પૂછી શકે એવાં કોઈ માણસ મળ્યાં નહિ. કોઈક મળે તેને પૂછે છે કે, "પેલો ખોડીઓ કંઈ રહે છે ?" તો તેનો જવાબ વાળ્યા વગર જ માણસ પસાર થાય. એકાદ–બે બૈરાંને પૂછ્યું : "ખોડીઓ કંઈ ગયો છે ?"

"જોઈ આવો; પૂછી લો. અમારે શી પડી છે ?"

એવા જવાબ મહારાજે આજે પ્રથમ વાર સાંભળ્યા. સમજાયું ! ખોડીઆના નામમાત્રથી પણ આ ગરીબ લોકો છેટાં નાસી રહેલ છે : ખોડીઆનાં પાપોના પડછાયામાં આવી જવાનીયે પ્રત્યેકને ઊંડી ફાળ છે. કોઈ કહેતું નથી કે, બેસો કોઈ પૂછતું નથી કે, 'ક્યાંથી આવો છો ? તરસ્યા છો ? ભૂખ્યા છો ?' લોકારણ્ય સુનકાર છે. જનપદની જ્યોત ઠરી ગઈ છે. મસાણની શાંતિ છે.

ફળીમાં એક ખાટલો પડેલો તે ઢાળીને મહારાજ તો બેઠા. એવામાં એક પાટણવાડીઓ મરદ નીકળ્યો. એણે પૂછ્યું : "અરે, મહારાજ છે ! ચ્યમ ગોદડું નથી પાથર્યું ?"

"હું ગોદડું ભેગું નથી લાવ્યો ભાઈ !" મહારાજથી જરી દાઝમાં કહેવાઈ ગયું. "ક્યાં છે પેલો ખોડીઓ ?"

"એ તો ખબર નથી, મહારાજ."

"વારુ, કહેજે એને કે હું આવ્યો હતો."

બસ, એટલું જ પોતાનાથી કહી શકાયું. આપદા તો મોટી હતી, પણ એ તો અંદર છુપાવવાની હતી. ગોવાળ જાણે એક ધણછૂટા પ્રિય ઢોરને શોધતો હતો. એ ઢોર હરાયું ઢોર થઈ ગયું હતું. એને વાઘ–વરુ ક્યાંક ફાડી ખાશે તો ?