પૃષ્ઠ:Mansaina Diva.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇતબાર
૪૭
 

‘જા’ : એના એ એકાક્ષરી શબ્દને જો જોખી શકાય, તો મણીકાનો ભાર થાય.

ભીખો કશું બોલ્યા વગર મહારાજને મૂકી ચાલતો થયો; અને બ્રાહ્મણનું શરીર જ્યાં હતું ત્યાંથી પગલું પણ આઘુંપાછું થયું નહિ.

એને ખબર હતી કે માણસને હાથતાળી દઈ ચાલ્યા જવા જેવી અનુકૂળ રાત્રી હતી. દિનના ઊગેલા સદાવેશોને રાત શોષી લેતાં વાર લગાડતી નથી. પણ એણે 'જા' કહી દીધું હતું. તર્કવિતર્કનાં દ્વાર બંધ કરીને એ બેઠા રહ્યા. વિચારોને રોકવા માટે તો આકાશમાં સપ્તર્ષિનું મંડલ પૂરતું હતું.

ભીખો જ્યારે પાછો આવ્યો ત્યારે પૃથ્વીમાંથી પ્રગટ થયા જેવો જણાયો. ચોર હતો, કેદી હતો, ગુપ્ત કામે આવ્યો હતો; પગનો સંચળ થાય તો તે પાટણવાડિઓ નહિ !

આવ્યો—પણ એકલો.

મહારાજના શ્વાસ ઊંચા થયા નહોતા, એટલે હેઠા બેસવાપણું નહોતું. પૂછ્યું પણ કશું જ નહિ. ભીખાને જ બોલવા દીધો.

"એ તો મારે ગામ દેદરડે ગયો લાગે છે."

"વા...રુ !" મહારાજે વધુ કશું ન કહ્યું.

"આપણે ત્યાં જઈશું ?" ભીખાએ પૂછ્યું.

"ચાલો."

બસ, એટલું જ કહીને મહારાજે ચાલવા માંડ્યું. પોતે જાણે કે સંચો હતા : ભીખો સંચાલક હતો. પોતાની જાતને એણે ડાકુના હાથમાં સોંપી દીધી હતી. ઊંચી હવામાં પંખી અનાયાસે તરે, તેમ બ્રાહ્મણનો આત્મા કોઈ ઉન્નત દિગંતમાં મસ્ત પંખે લહેરાતો હતો. ભીખો આગળ નહિ પણ પાછળ ચાલતો હતો. બ્રાહ્મણે પાછું વળી જોવાની લાલચ એ ચાર ગાઉના પંથમાં એક વાર પણ સેવી નહિ. પગરખાં બેમાંથી એકેનાં પગમાં હતાં નહિ. જીભ અને પગ— બંનેનાં—મૌનનું શિક્ષણ પામ્યાં હતાં. એક ચોર હતો, બીજો બ્રાહ્મણ હતો : બંને સંયમી !