પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
માણસાઈના દીવા
 

“છાનો મર, મારા હારા !” છોકરાને ખોડિઆનું નામ પૂરું કરતો અટકાવીને પોતાના ફળિયાને લીંબડે ચડ્યો. દૂર દૂર નજરે માંડી, અને દીઠો—

ખોઈ વાળેલો ઢેડ આઘેના એક ખેતરમાં નીંઘલેલી ઊંચી જુવારના ઝુંડમાં દાખલ થાય છે; ઘાટી જુવારની અંદર સરપ–શો ચાલ્યો જાય છે.

“દોડો, દોડોઃ ખોડિયો !” પાટણવાડિયો લીંબડેથી સડેડાટ ઊતરીને વાસ વચ્ચે બૂમ પાડતો દોડ્યો. એની બૂમથી બીજા જોડાયા એમાં એક હતો ખોડિઆના સગા કાકાનો દીકરો.

પોલીસ–થાણે થઈને તેઓ દોડ્યા. થાણે ખબર કરતા ગયા. થાણામાં એક જ પોલીસ હતો. એણેય દોટ તો ઘણી કાઢી પણ બાપડો ભારે ડિલનો હતો : થોડુંક દોડીને હાંફી ગયો.

પાટણવાડિઆ શિકારી શ્વાન જેવા દોડ્યા. જુવારના ઝુંડમાં પહોંચ્યા. ચોર ચેત્યો, નાઠો. એના હાથમાં કારતૂસ ફોડવાની બંદૂક હતી તો પણ પીછો લેનારા પાછા ન વળ્યા; દોડ્યા, દોડ્યા, દોઢ ગાઉ સુધી દોડી સંતોકપુરા ગામની સીમમાં પહોંચ્યા : આગળ ખોડિઓ, પાછળ સગા કાકાનો દીકરો, તેની પાછળ બીજા ન્યાતીલા.

એમાં ખોડિયાને એક ઝાડની ઓથ મળી ગઈ. ભૂંડી થઈ ! ઓથે ઉભીને ખોડિએ બંદૂક તાકી. હમણાં છૂટશે. પાછળ પડેલાઓમાંના હરકોઈ એકના પ્રાણ લઈ પટકશે.

તોયે પાટણવાડિયા દોડ્યા—અને સૌને મોખરે દોડતો હતો સગા કાકાનો દીકરો.

પણ ખોડિયાના હાથમાં બંદૂકની નાળી નોંધેલી જ રહી ગઈ છે. ભડાકો થતો નથી. ધુમાડાની શેડ પણ નીકળતી નથી.

“હાં, જુવાનો ! દોડો ! બંદૂક તો છે પણ કારતૂસ નથી જણાતા !”

સગા કાકાનો દીકરો પહોંચી ગયો; ખોડિઆને બથ લઈ ગયો. બેઉ બથોબથ આવી ગયા. બેઉના જુલફાં ફરકે છેઃ મોં પર લોહીના ટશિયા ફૂટે છે : પૃથ્વીને ખૂંદે છે : જીવ પર આવેલા વરુ જેવા લડે છે.