પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

શકે, અને જહેર રીતે કરતાં ખસૂસ એબ નથી તેથી ધીરજ રાખી એ ટેવ પાડવાની જરૂર છે, અને તેવી જાહેરાતથી ગભરાવવાનું કે કંટાળવાનું નથી.

કોટડીની અન્દર સૂવાને સારૂં લાકડાના ત્રણ ઈંચના પાયાવાળાં પાટિયાંની પથારી હતી. જણદીઠ બે કામળી અને નાનો સરખો તકિયો, તથા પાથરવા માટે વિંટી શકાય એવડી કાથાની સાદડી એટલાં હતાં. કોઇ વખત ત્રણ કામળી મળી શકતી હતી, પણ તે માત્ર મહેરબાની દાખલ. આવી કઠણ પથારી જોઈ કેટલાક ગભરાતા જોવામાં આવતા હતા. સાધારણ રીતે જેઓને પોચી પથારીમાં સૂવાની ટેવ હોય છે, તેને આવી કઠણ પથારી મુશ્કેલ લાગે. વૈદક શાસ્ત્રના નિયમ પ્રમાણે કઠણ પથારી એ વધારે સારી ગણાય છે. એટલે જો આપણે ઘેર પણ કઠણ પથારી વાપરવાનો રિવાજ રાખ્યો હોય તો જેલની પથારીનું દુઃખ જણાય નહિ. કોટડીમાં હંમેશા એક બાકીટ પાણી, તથા રાતના પેશાબ કરવા સારૂં એક બીજી બાકીટ થાળમાં મૂકવામાં આવતી હતી. કેમકે રાતના કોઇપણ કેદીથી કોટડીની બહાર નીકળી શકાય નહિ. દરેક જણને જેમ જોઇએ તેમ થોડોક સાબુ, એક ખાદીનો ટુવાલ તથા લાકડાનો ચમચો પણ આપવામાં આવ્યાં હતાં.

સફાઈ.

જેલખાનાની સફાઈ ઘણીજ સરસ ગણી શકાય. હંમેશા કોટડીની ભોંય જંતુનાશક પાણી વડે સાફ કરવામાં આવતી હતી. તેની કોરને દરરોજ ચૂનો લગાડવામાં આવતો હતો, તેથી કોટડી હંમેશા નવી જેવી રહેતી. ગુસ્લખાનું તથા પાયખાનું તે પણ સાબુથી અને જંતુનાશક પાણીથી હંમેશા સાફ રાખવામાં આવતાં હતાં. સફાઈ બાબત મને પોતાને શોખ છે એમ માનું છું. તેથી જ્યારે છેવટના