રાજ્યપ્રકરણી અને બીજા જેલી વચ્ચે સરકાર તફાવત રાખે એવો સંભવ નથી. આપણને જેમ વધારે દુઃખ આપે અને આપણે તે ઉઠાવીએ તેમ વહેલો છૂટકારો થાય. વળી જેલીનો પોશાક પહેરવો, ચાલતા જવું ને સામાનનો ભાર ઉંચકવો એ વિચાર કરતાં કંઇ દુઃખરૂપ નથી, પણ દુનિયાને તો આવી વસ્તુને એમ માન્યાજ કરશે તેથી વિલાયતમાં શોરબકોર થયો.
દારોગાનું વર્તન.
રસ્તામાં દરોગા તરફથી ઇજા જરાએ ન હતી. દરોગો પોતે જાહેર પરવાનગી ન આપે તો જેલ સિવાયનો બીજો ખોરાક ન ખાવો તે મારો નિશ્ચય હતો. તેથી આજ લગી હું જેલના ખોરાક પરજ નભ્યો હતો. રેલમાં તો મને ખાવાનું બંધાવ્યું નહતું. દરોગાએ મને જે ખોરાક લેવો હોય તે લેવાની છૂટ આપી. સ્ટેશન માસ્તરે મને પૈસા આપવાનું કહ્યું. મેં તેનો ઉપકાર માન્યો. પૈસા લેવાની ના પાડી. મિ.કાજી જે સ્ટેશને હાજર હતા તેમની પાસેથી શિલિંગ દશ લીધી. તેમંથી દરોગાને સારૂ તથા મારે સારૂ રેલમાંથી ખાવાનું લીધું.
જોહાન્સબર્ગમાંની જેલમાં પહેલી રાત્રિ.
જોહાન્સબર્ગ પહોંયા તે વખતે સાંજ પડી હતી, તેથી મને બીજા હિંદીની પાસે નહોતા લઇ ગયા. મુખ્યત્વે કેદખાનામાં જ્યાં કાફરો કેદીઓ દરદી હતા તેઓની કોટડીમાં મને બીછાનું આપ્યું. કોટડીમાં મારી રાત ઘણા દુઃખમાં તથા ભયમાં ગઇ. મને બીજેજ દહાડે આપણા લોકો પાસે લઇ જશે એમ ખબર નહોતી અને