પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંઠનો અવાજ કાઢ્યો: "હું એક મહેરબાની માગું છું. આ એક પડીકું મારા સગાને સુપરત કરવાની રજા આપો. બદલામાં હું બે મણ વધુ જુવાર પીસી દઈશ.

"ઇમેં ક્યા છે ? ખોલો !" ગોરા જેલરે હોકલીના ગોટેગોટા ધુમાડા કાઢતાં -કાઢતાં એની હિન્દી-ગુજરાતીમાં કહ્યું.

પડીકું ખોલાયું: એક વાંભ જેટલો લાંબો, ઘનશ્યામ-રંગી સુંવાળો ચોટલો હતો.

"બાપુ ! ભાઈ ! લ્યો: આજે રાતે જ ગાડીએ ચડજો, ને આ મારા સૌભાગ્યના શણગાર જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી આવજો."

અનંતે એ ચોકડીવાળી સાડીમાં ઢંકાયેલું ભદ્રાનું મૂંડેલું માથું નિહાળ્યું. એના વાનર-હ્રદયને ઓળકોળાંબડે રમવાના બાળ-દિનો યાદ આવી ગયા. લટો વિનાની બહેન એનાથી કલ્પાઈ નહિ.

પણ આ એક જ રાતમાં ભદ્રાની આંખો ફરતી કાળી દાઝ્યો ક્યાં ઊડી ગઈ ? એના ડોળામાં આ દીપ્તી ક્યાંથી ? એના જખમી હાથો કયા જોમે છલકાય છે ? ભાઈ-બાપની પાસે ઊંચી નજર પણ ન કરનાર આ કંગાળ બ્રાહ્મણ-કન્યા આજે પહાડ જેવડા કદાવર અને ગોધા જેવા કરડા જેલર સાથે તડાકા ક્યાંથી કરે છે ?

"લ્યો બાપુ !ભાઈ ! હું રજા લઉં છું. તમને સહુને હવે સંતોષ થવો જ જોઈએ. તફાવત હોય તો એટલો જ કે આ દેહ અને આ ચોટલો મેં બીજાં કોઈને દેવા કરતાં આ જન્મભૂમિને દીધાં - કે જે, કાંઈ નહિ તો, છેલ્લે સાડાત્રણ હાથ જમીન તો આપશે !"

બાપુએ નીચે જોયું.

"ને બાપુ ! આંહીં જ્ઞાતિ નથી; સધવા-વિધવા કે તજાયેલીના ભેદ નથી; કંકુ નથી, ચોટલા નથી. વાઘરણોની સાથે આંહીં રહું છું ને ખાઉં છું, પીઉં છું, હો ! આંહીં તો લીલાલહેર છે."

મરિયમ મુકાદમના ધક્કા ખાતી એ જુવાન બ્રાહ્મણી કોઈ મસ્ત