પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મંત્ર ભણી એ પાણી મંછાને પાયું. કોઈ ગંધક જેવા પદાર્થનો ધૂપ દીધેલ એક ધાગો પોતાની જટાની એક લટ સહિત મંછાને કાંડે બાંધ્યો. તોય મંછા અર્ધબેભાનમાં આડુંઅવળું લવતી જ રહી.

"તારે નથી જાવું, એ.....મ ! ચંડાળ ડાકણી તારે આ દેહ નથી છોડવો, એમ ? ઊભી રહે. ભૂતનાથનો પરચો દેખાદું છું." એવી ત્રાડ નાખીને બાવાજીએ દેવતા પર એક મૂઠી ભરી મરચાંનો ભૂકો ભભરાવ્યો. ઓરડો ધુમાડે ઢંકાઈ ગયો. મંછાનો દેહ, માત્ર કાળા ઓળા જેવો, 'અં...અં...અં...અં...' એમ ગૂંગળાટ કરે છે. ને બાવાજી જમીન પર હાથ પછાડી ત્રાડ મારે છે કે "બોલ, રંડા ! તું કોણ છે ? એની સાસુ છે કે ! બોલ, નીકળે છે કે નહિ ?"

હાય ! આવી ખરાખરીની જમાવટને ટાણે જમાઈ કાં આવી ચડ્યો ! મંછાની બા ખડકીએ જ ધ્યાન રાખી બેઠાં હતાં, તેણે દોડી જઈને બાવાજીને બીજે બારણેથી બહાર કાઢ્યા. અજ્ઞાત ધીરજલાલ અંદર ગયો ત્યારે હજુ મરચાંના ધુમાડાનાં છેલ્લાં ગૂંચળાં ઓરડામાં સર્પાકારે ભમતાં હતાં. મંછા ઉધરસે બેવડી વળી ગઈ હતી. શો મામલો બની ગયો તે કહેનાર કોઈ નહોતું. તેણે મંછાને હળવે હાથે સુવારી.

મંદવાડ વધે છે એ જાણ જેમજેમ પ્રસરતી ગઈ તેમ તેમ દૂરથી અને ન઼જીકથી સગાંવહાલાં પણ ઊતરી પડવા લાગ્યાં. "દુ:ખમાં ભાગ લેવા આવવું તો જોવે જ ને, બાઈ !" "સગાં થઈને આ ટાણે કામ ન લાગીએ તો પછી શું ઘસીને ગૂમડે ચોપડવાનાં સગાં છીએ !" "અરેરે ! આણાત દીકરીએ હજી મન મોકળું મેલીને ઓઢ્યાંપેર્યાંય નથી. આ ચાર-ચાર પેટીઓ ભરીને કરિયાવર પડ્યા છે...." એવી વાતો ચાલ્યા કરતી, ગળાં ગદ્ગદિત થતાં, ને નિસાસા ઉપર નિસાસા પડતા. ઓઘડ માસ્તર મહેમાનોનાં ઘોડાં તથા ગાડાં સારુ ઘાસચારો અને પરોણાઓ સારુ ઘી, તેલ, શાક લાવવામાં દોડધામ કરતા; દીકરાની વહુ દળણાંપાણીમાં તેમ જ રસોઈમાં દટાતી; બા સહુને મોંએ વલોપાત કરવામાં રોકાતાં; છોકરાં ખા-ખા કરી ચીસો દેતાં; ગામ-લોક મળવાહળવા હલકતું: એ રીતે, હંમેશાં બનતું આવ્યું