પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્રીએ કહી દીધું કે, "બબડી લ્યો જેટલું બબડવું હોય એટલું. હું દીકરીને ક્યાં - કોઠીમાં છાંદી મૂકત ! એણે તમારું શું બગાડ્યું છે ? બાપ છો કે વેરી ? એનું ઘર બંધાય છે એય જોઈ શકતા નથી ?"

હરિચંદની જ રાહ જોવાતી હતી. `બાલીસ્ટર'ની પરવા તો નહોતી મોરલીધરને કે નહોતી બીજા કોઇને. એને તો ચંપાના વેવિશાળની ખબર પણ ત્યારે જ પડી, જ્યારે ચંપાને એક દિવસના છાપામાં આકાશી વિમાન ઉરાડનારી કુમારી એમી જોનસનનું ચિત્ર દેખાડવા બોલાવતાં બાપે એના કપાળમાં ચોખાવાળો ચાંદલો અને શરીર પર હેમના નવા દાગીના દીઠા.

તે દિવસે એ મેડેથી ઊતર્યો ત્યારે ત્રણ-ત્રણ પગથિયાં સામટાં ઊતર્યો. એનાં ચશ્માં ફૂટ્યાં, એ પડતો પડતો રહી ગયો. એણે સ્રીને ફાટી આંખે પૂછ્યું: "હે, ચંપાનું વેશવાળ કર્યુ ? મોરલીધર વેરે ? મને પૂછ્યું પણ નહિ ?"

"લ્યો, હવે જાવ: મેડે ચડીને નિરાંતે પસ્તી વાંચો. વેવાર હલાવવાની જો રતિ નથી, તો પછેં બીજાંને હલાવવા તો ધો !"

એ મેડે ચડી તો ગયો, પણ ત્યારથી નીચે જમવા પણ નહોતો ઊતરતો. મા ચંપાની સાથે એનું `ઠોસર્યુ' - અર્થાત્ ભાણું - મેડે જ પહોંચાડતી. બાપે ચંપાને તે દિવસથી છાપાં બતાવવાં બંધ કર્યા, વાતો પણ બંધ કરી. થાળી દેવા જતી ચંપા બાપની છાતીમાંથી એક પછી એક ડોકિયાં કરી રહેલ પાંસળીને નિહાળતી અને બાપની ભીની આંખોના ઊંડા ખાડામાં નાની નાની બે ચંપાઓને આંસુમાં નહાતી જોતી.

આખરે હરિચંદ પણ એનું વેવિશાળ થઈ ગયું હોવાનો તાર મળવાથી પરણવા ઊતર્યો. રતિવિહોણા બાપનો પોતે રાંક પુત્ર, ઉંમર હજુ નાની છતાં બાહોશીથી બહેનને ઠેકાણે પાડી, પોતેય ઠેકાણે પડી શક્યો, માનું હૈયું ઠાર્યુ, અને બાપની હાંસીને સ્થાને પોતાની ડાહ્યપ સ્થાપી દીધી - એથી હરિચંદનું દિલ ભર્યુ ભર્યુ બની ગયું હતું. વિવાહ પણ સૌ જોઇ રહે એવો મોભાસરનો કરવાની એની ઉમેદ હતી. મોરલીધરના લગ્ન ઉપર એમના અંગ્રેજ આડતિયાની પેઢીનો જે પારસી મૅનેજર આવવાનો હતો તેને પોતે પણ પોતાની જાનમાં એકાદ ટંક બપોર પૂરતો લઈ જાય એવો એનો મનોરથ હતો.