પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યારે આ ત્રિવેણીબહેનનું મુખ પડી ગયું હતું, પણ રંગમાં ભંગ ન પાડવા એ મહેનતથી મોં મલકાવતાં હતા.

'ત્રિવેણીબહેન !" મામીએ પૂછ્યું, "આજે લલિતા કેમ નથી દેખાતી ?"

"આ રહી. હું અહીં છું." લલિતા એની બાની પીઠ પાછળ લપાઇને બેઠેલી, ત્યાંથી બોલી.

"મોં સંતાડીને કેમ બેઠી છો ?"

"ના, મેં ક્યાં સંતાડ્યું છે ?" એમ કહેતી લલિતા ટટ્ટાર થઇ બેઠી.

"આ ત્રિવેણીબહેનની લલિતા." મામીએ સહુ સામે નિહાળીને કહ્યું.

બધાં એકબીજાંને સામે તાકી રહ્યાં. કોઇ બોલ્યું: "ભાગ્યની વાત છે, બાઇ !"

લલિતાનું મોં ગાલનાં મૂળ સુધી લાલલાલ થઇ ગયું. એ પાછી બાની પાછળ લપાઇ ગઇ.

ભનાભાઇ ઘૂમાઘૂમ કરતાં પોતાનો સરંજામ સજતા હતા. વાળની લટો કપાળ પર પડતી હતી. તેને ઝટકાવી વારંવાર ઠેકાણે નાખતા હતા.

"લ્યો, ભનાભાઇ ! આવજો. માયા રાખજો !" કહેતાં ત્રિવેણીબહેન ઉઠ્યાં.

"કાં, ત્રિવેણીમાશી ! લલિતાબહેન ! ઊઠશો ! આવજો. તમારી આશિષ." ભનાભાઇએ એટલું કહ્યું ત્યાં ત્રિવેણીબહેન ટોળાથી થોડે દૂર ચાલ્યાં ગયાં. ભનો પણ એની પાછળ ઘસડાયો. લલિતા આગળ નીકળીને થાંભલી સાથે શરીર ટેકવી પડખું ફરીને ઊભી રહી.

"ભનાભાઇ ! બાપા ! એક ભલામણ કરવી છે." વિધવાએ ઓશીયાળું મોં કર્યુ.

"હા, કહો ને, માશી !" ટાઇમ થઇ જતો હોય તેમ બતાવવા ને વાત ટૂંકી કરાવવા ભનાભાઇએ કાંડાં પર નજર કરી - પણ કાંડે ઘડિયાળ નહોતું.

થોથરાતી જીભે વિધવાએ હળવેથી કહ્યું: "બીજું તો શું ! આ