પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય, ઘરજમાઇનું આળ ચડતું હોય, તો અહીં મેં એક ભાગીદાર ઊભો કરીને શ્રી ભનુનો જીવ ન દુખાય તેવો સ્વદેશી વસ્તુનો વ્યાપાર નિરધારી મૂક્યો છે. માટે ઝટ મોકલો. શાંતાનો અભ્યાસ જોરથી આગળ ચાલે છે."

આવી ગોઠવણથી પ્રસન્ન બની ભનાભાઇએ બિસ્તર અને બેગ બાંધ્યાં. મામાએ કહ્યું કેઃ "વધુ સરસામાન ન લઇ જતો. તારા સસરાને ત્યાં અઢળક વસ્તુઓ ભરી છે." મામાના નાના દીકરા રમણે ભનાભાઇનું કાંડા-ઘડિયાળ માગ્યું. તે તરત જ ભનાભાઇએ છોડીને આપી દીધું, કહ્યું કે "ત્યાં મને તો માગ્યા ભેગું જ મળી રહેશે." એમ, પોતે કોઇ કલ્પવૃક્ષની છાંયડીમાં જતા હોય તે રીતે, એણે ઘણીખરી ચીજો ભેટ-સોગાદમાં દઇ દીધી. બુધવાર, દિશાશૂળ, હોળીની સામી ઝાળ વગેરે બધા જ અપશુકનીયાળ દિવસો વટાવીને ચોખ્ખે દહાડે સાંજની ટ્રેનમાં ભનાભાઇનું ઊપડવું નક્કી થયું.

ગામ નાનું, બનાવ પ્રમાણમાં મોટો, મામાની પ્રતિષ્ઠા જબ્બર, એટલે ઘણાં લોકો વળાવવા ઘેર એકઠાં થયાં. પોતાના છોકરાઓ સંબંધે કાં તો નોકરીની, કાં સ્કોલરશીપની અને, બેશક, સારાં સાસરિયાં શોધી દેવાની પણ વિનંતિઓ કરવા અનેક ઓળખાણવાળાંઓ આવ્યાં. "ભનાભાઇ ! બાપા ! અમારે તો તમારો વશીલો બંધાણો છે.વાડ્ય વિના વેલો ચડતો નથી. તમારી ચડતી કળા દેખીને અમારી આંખો ઠરે છે. મોટી પાયરીએ ચડ્યા છો. તે હવે બાની ચાકરી કરીને તમે વર-વહુ બેઉ તમારા હાથ ઠારો." એવું એવું ઘણું બધું બોલાઇ ગયું.

ભનાભાઇનાં આધેડ વયનાં બા ભારેખમ મોં કરીને સહુની વચ્ચે બેઠાં હતાં. તેની સામે નજર કરીને કોઇ બોલ્યું: "બાએ બિચારીએ સંસારનું સુખ ક્યાં ભાળ્યું છે ! એ તો સ્વપના જેવું થઇ ગયું. હવે તમે પાછો દિ વાળ્યો, ભનાભાઇ !"

"અરેરે ! રાંડી પુત્ર શે'જાદો..." એટલું બોલતાં બાથી રડી પડાયું.

મળવા આવનારાઓમાં એક ભનાભાઇની બા જેવડી જ વિધવા બાઇ હતી, અને એ વિધવાની સોળેક વરસની પુત્રી હતી. સહુ જ્યારે ભનાભાઇના આ નવપ્રાપ્ત સૌભાગ્યથી વિનોદ, આનંદ અને વિનતિઓ કરી રહ્યાં હતાં.