પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયો. સડક વટાવી. સ્ટેશન વટાવ્યું. દૂર ઊભેલા સિગ્નલની લાલ બત્તી એની સામે તાકી રહી હતી. તળાવની પાળે ટિટોડી બોલતી હતી. કોઇ પીધેલા જેવા એ જુવાનનું શરીર ખોળામાં લઇ કરુણામયી કુદરત એને વાયરો ઢોળતી હતી. નશો ઊતરતાં એને પોતાની પામરતાનો થાક સમજાયો. તારાઓ એને કહેતા હતા કે, લલિતા સુખમાં પડી એથી આનંદ પામ !

સુખમાં પડી ! લલિતા ભલે સુખમાં પડી ! એકવાર એ અહીં આવશે તો હું એના બાળકને ખોળામાં લઇને રમાડીશ. હું એ બચ્ચાંના ગાલ અને હોઠ પર ચૂમી કરીશ. એના કૂણા કિસલય-શાં આંગળાંના તમાચા મારા બેવકૂફ ગાલો પર ચોડાવીશ. અને હવે તો હું જ લલિતાને કહીશ કે, 'બહેન ! ગરીબડી કોઇ બીજી લલિતા જડશે આ જગતમાં ક્યાંક ? હોય તો મારી ભલામણ કરીશ ? મને વેલાને વાડ્ય દેખાડીશ ?'

આવી ઊર્મિઓમાં નહાતો એ યુવાન અરધી રાત સુધી સિગ્નલને ઓટે સૂતો રહ્યો. વીંછીના ડંખ પર ફૂકવાથી વળે છે તેવી શાતા એને થોડી વાર વળી.