પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય એવું જણાતું. ભજિયાં આવે ત્યારે છોકરાં બાના મોં સામે દયામણી આંખે તાકી રહેતાં, ને બા ખાય ત્યાર પછી, હસવા-આનંદવાનું ન બની જાય તેની સંભાળ રાખી, ખાતાં. એક સ્ટેશને કેશુ એની તાવલેલી સ્ત્રી સારુ બે મોસંબી લઈ આવ્યો. તે પછીથી બાએ ભજિયાં ઠેલ્યાં હતાં.

ગામને પાદર જ્યારે કુટુંબ આવી પહોંચ્યું ત્યારે "કંકુમા આવ્યાં !" "કેશુભાઈ આવ્યો !" એવા હર્ષનાદ કરતાં છોકરાં એકઠાં થઈ ગયાં અને ગામમાં ખબર દેવા દોડ્યાં ગયાં. છોકરાંને માધાબાપાના કારજનો દિવસ શીતળા-સાતમ, ગણેશચોથ કે દિવાળીના પડવા કરતાં વધુ પ્યારો હતો. તે દિવસે રવિવાર ન હોય તો સારું: છૂટ્ટી લઈ શકાય એ ઝંખના છોકરાં ઝંખી રહ્યાં હતાં. ન્યાતમાં કોણકોણ માંદું છે એની દાક્તર કરતાં નિશાળિયાઓ કનેથી વધુ ચોક્કસ ખબર મળી શકતી. પૂતળીમાનો દા‘ડો ગયાને પંદર દિવસ થઈ ગયેલા, તેથી છોકરાંઓ બહુ જ કચવાતાં હતાં. હવેલીમાં આવનારી સ્ત્રીઓ પણ જ્યારે આમ સાંભળતી કે પશા દેવાણીની દાદીને તો પાંચ દિ‘ થયાં દરદમાં ઘટાડો થતો આવે છે, ત્યારે તેઓ ચિડાઈ ઊઠતી કે, "ડોશી તો અવગતણી છે. ડાબલો સંતાડ્યો છે તે જીવ જાતો નથી. ભોરિંગ જેવી છે, બાઈ ! એના લાડવા ખાવાનું નામ જ લેશો માં કોઈ. જેમ જેમ આપણે મરતી વાંછશું તેમતેમ ઈ ડાકણ્યની આવરદા વધતી જાશે."

હવેલીમાં આમ વાતો કરતી બાઈઓને છોકરાંએ ખબર આપી કે કંકુમા ને કેશુ આવી પહોંચ્યાં છે. સાંભળીને સહુની નાડ્યમાં જીવ આવ્યો.

દિવસ આથમ્યો. કંકુમાના હાથ ઝાલીને એને રોવડાવતાં રોવડાવતાં તેમ જ પો‘રે-પો‘રે પછાડીઓ ખવરાવતાં ન્યાતીલાનાં બૈરાંઓ જ્યારે ઘેર લઈ જતાં હતાં, ત્યારે શેરીએ ઊભેલી નાનીમોટી સ્ત્રીઓ-સાસુઓ, વહુઓ, દીકરીઓ, વિધવાઓ ને નાની બાળકીઓ નિહાળી નિહાળી જોતી હતી. એક વાત ઉપર સર્વે શેરીઓનો સરખો જ મત પડ્યો કે, "કેશુડાની વહુને તો, મૂઈ, ડિલનો વળાંકો જ ક્યાં છે ! ગળામાંથી રાગ કાઢે તો એના બાપના જ સમ !"