પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડનાં સૂકાં પાંદડાં સળવળ્યાં. એક મુસાફર હાથમાં નાની બૅગ લઈને જાળીની બહાર ઊભો રહ્યો. જાળીની નજીક આવ્યો. અંદર ડોકાઈને બાગમાં નજર કરી. ઓચિંતી એણે જલદેવીને દીઠી. સ્થિર બની ગયો. નજર ચોડીને જલદેવીને નિહાળી રહ્યો. ધીરે સાદે બોલ્યો: "દરિયાપરી!"

ઝબકેલી જલદેવીએ ચોંકીને પછવાડે જોયું. પરદેશીને દીઠો. દેખતાં જ જાણે ઓળખાણ પડી હોય તેમ બોલી ઊઠી: "ઓ પ્યારા! આખરે તમે આવી પહોંચ્યા!"

"હા, આખરે આવી પહોંચ્યો છું, દરિયાપરી!" દરિયાના વમળમાંથી ઊઠે તેવો એનો આર્તસ્વર આવ્યો. એનું ડોકું હલ્યું.

એક પલમાં તો જલદેવી બદલી ગઈ. અવાજ ફાટી જાય એવી ચીસ પાડીને બોલી: "તમે કોણ છો? શા માટે અહીં આવ્યા છો? કોને શોધો છો?"

"હું ધારું છું કે તમને જ." ઠંડોગાર અવાજ મળ્યો. એ બે આંખોની મીટ અચલ હતી.

જલદેવી ધ્રુજી ઊઠી. પરદેશીની સામે તાકી રહી, ને પાગલની પેઠે બોલી ઊઠી કે, "એ જ આંખો!"

"આખરે ઓળખાણ પડવા માંડી ને! મેં તો તને એકદમ ઓળખી કાઢી, મારી દરિયાપરી!"

"તમે મારી સામે શા માટે તાકી રહ્યા છો? ડોળા ન કાઢો. હું હમણાં ચીસ પાડીને લોકોને બોલાવીશ."

"ચૂપ! દરિયાપરી! હું તને કશી જ ઇજા નથી કરવાનો: તું ગભરા નહિ."

જલદેવી પોતાના હાથ આંખો પર ઢાંકીને બોલી: "ભલા થઈને મારી સામે એમ તાકી ન રહો."

તારની વાડ ઉપર પોતાનું મોં ટેકવીને પરદેશી બોલ્યો: "દરિયાપરી! હું આ ઉત્તર દેશના જહાજમાં આવ્યો છું."

જલદેવીએ છાની એક દૃષ્ટિ નાખીને પૂછ્યું: "તમારે મારી સાથે શું