પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે; ઝીણો સુંદર સાડલો છે; નાની-શી કોથળીમાં પૈસા ઠીકઠીક છે.

"કેમ દે છે ચીભડાં ?"

"બે પૈસે શેર, બોન !"

"અરે, એવું તે હોય ? તમે કોળી તો હવે લુંટવા બેઠાં.. લે, જોખ એક શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે... એમ શેની જોખછ ? જો, કડી ચડી ગઇ છે ત્રાજવાની. ને નમતું જોખ બરાબરઃ છોકરાં ફોસલાવ મા."

"લ્યો, બોન ! આ નમતું." કહીને કોળીએ દોઢ શેરથી જાજેરો માલ જોખી આપ્યો.

"હવે એક ચીર દે આ પાકા ચીભડાંમાંથી." શેઠાણીએ એક કાપેલ ચીભડા ઉપર બણબણતી માંખો ઉડાડીને એમાંથી ચીર માગી.

"હજી પાછી ચીર, બોન !"

"હાસ્તો, મફત ક્યાં દેછ ? મારો છોકરો ઘેર જતાં જ માગે, ખબર છે ?"

"પણ, બોન - !" કોળણને એ અક્કેક પલકે પોતાનો મહેનતે ઉઝેરેલો વાડો, મથી મથીને ગાળેલ કૂંટીઓ, અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લાગલાગટ પાયેલ પાણી સાંભરી આવતાં હતાં. શિયાળવાં અને હરાયાં ઢોર હાંકી-હાંકી ઉજાગરા તાણેલા.

"લાવ, ચીર દેછ કે ? નીકર આ લે તારું ચીભડું પાછું."

ચીર દેવી પડી. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય, એવું દર્દ એના અંતઃકરણમાં થયું.

"આવા જીવ શે થઇ જાતા હશે આ પૈસાવાળાંના ?"

"માટે જ આપણે નિર્ધન રહ્યાં સારાં."

"ના,ના; મને તો દાઝ ચડે છે કો'ક કો'ક વાર."

"દાઝ ન ચડાવીએ, ડાયા ! પારકો પ્રદેશ છેઃ આપણે રિયાં કોળીઃ કાંક થાય તો સપાઇને આપણા જ વાંકની જ ગંધ આવે."

તેટલામાં તો "પિયુ, પે'લી પેસેન્જરમાં આવજો.."નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક-ગીત ગાતોગાતો બંકડો પોલિસ આવ્યો, અને એક