પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એ બરોબર, ફારગતી લખી દીધી હોય તો હાંઉ - મારે કાનની બૂટ ઝાલવાની, કાઢો ફારગતી..."

"રો' રો', હું હૈયે આણું છું... એ હા ! આવ્યું, આવ્યું... એ વઉ ! તારી તેલની કાંધીની હેઠળ મેં ઈ ફારગતીની સીઠી દબાવી'તી."

ડોશી હાંફળી હાંફળી ઊઠી; દોડી. ઘરના છાપરામાં લટકાવેલ શીંકા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું, તેની અંદર તેલનો શીશો મૂક્યો છે, વહુએ નીચે ઉતાર્યું; અંદર કેટલીક ચીંથરીઓ ને ગાભાઓ ખોસેલાં. આંધળી ડોશીની આંગણીએ જાણે અકેક દીવો પેટાયો હોય તેમ એ ચિઠ્ઠી ગોતવા લાગી. છતાં કાનજીને કશી અકળામણ નહોતી. આખરે ડોશીએ, દરિયામાં ડૂબનાર જેમ લાકડું પકડે, તેમ કાગળિયો પકડ્યો.

"આ રહી ફારગતી: લ્યો, માડી ! હાશ ! હું સીતેર વરસની ડોશી ખોટી ઠરત, મારા પરભુ !"

કાનજી જરાક ઠરી ગયો, "જોઉં ! લાવો તો, માડી; મારો કોઈ વાણોતર તો ઉચાપત નથી કરી ગયો ને ?"

એ જ વખતે ફલીમાંથી અવાજ આવ્યો: "લક્ષ્મી પ્રસન્ન !" અને ફળીમાં એક પહોળા ગળામાંથી મોટો બળખો પડ્યો.

"લ્યો, આ વાસુદેવ વ્યાસજી આવ્યા. વ્યાસજી સાક્ષી: એની સાક્ષીએ ફારગરી વાંચી લે, બાપ કાનજી !"

"શું છે, પૂતળીમા ! વાસુદેવ વ્યાસે કાનજી શેઠના કપાળે કંકુનો ચાંદલો કરતાં કરતાં પૂછ્યું: "માડી વ્યાસજી ! તમે આ કાગળ વાંચી જોવો: આ કાના શેઠની ફારગતી છે કે નહિ ?"

વાસુદેવ વ્યાસ આજ વીસ વરસથી દરરોજ સવારે પૂતળી ડોશીના ઘેરથી અરધી અરધી તાંબડી કણિક લઈ જાય છે. ઘરમાં ખાવા ન રહે ત્યારે પણ શંકરના આ સેવકની ઝોળી કણબણે પાછી નહોતી વાળી. પબાના બાપા જેલમાં મરી ગયા, તેની પાછળ ડોશીએ વ્યાસજી પાસે ગરુડ-પુરાણ વંચાવીને રૂ. ૨૦૦-૩૦૦ જેટલો માલ આપેલો. ઘણી વાર પબાને વ્યાસજીએ