પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકેય દાંત ક્યાં રિયો છે હવે!"

"તમે બધા એને કેમ હુડકારો છો - હેં દાઉદ?"

'અરે ભાઈ, હુડકારે નહિ ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે - અણ આ એંશી વરસની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે! એના ત્રણ છોકરા ઊડી ગયા: એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો."

"આપઘાત!" મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા સો જણની ફાંસીના કરતાંય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો..

"આપઘાત તો કરવો જ પડે ના, ભાઈ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસું સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના!"

પછવાડે નજર કરી દાઉદે બળદોનાં પૂંછડાં ફરી એક વાર મરડ્યાં ને પાછી વાત આગળ ચલાવી:

"મારો બાપ વાતું કરતો કે પાનકોર તેર વરસે અપ્રણીને આવી તે વેળા તો એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજાર ને હાટડે હાટાડે ટોળાં બેસતાં. ત્રણ વરસમાં એને ત્રણ સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઊડી પડ્યો. એનાં દેરિયાં જેઠિયાંએ બધી ઇસ્કામત દબાવી દીધી એ'મ કે'વાય છે. સાચું ખોટું ખુદાને માલમ, પણ નાનાં ટાબરિયાં સોતી પાનકોર દિરિયાં-જેઠિયાંને આંગણે પાંચ દા'ડા લાંઘી. પછી દળણાં દળીને ત્રણેય છોકરાને મંડી મોટા કરવા, ગામે એનો પીછો લીધો કે તારા વરનો દા'ડો જમાડ્ય ને જમાડ્ય, પાનકોર કે' કે, જમો અમારાં લોઈ.

"આ... તેને વળતે જ દા'ડે જુવાનજોધ જેઠને લોહી વમનમાં ચાલ્યાં."

"હેં!" મારાથી કહેવાઈ ગયું.

"હેં શું - ત્રીજે દા'ડે તો હોકો ભરીને હાલી નીકળ્યો! તે દિવસથી જુવાન પાનકોર ડોશી ડાકણ કે'વાણી!"

અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યાં; ચલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી: લોબાનની ધૂંવાડી ભભકી ઊઠી.