પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રીજીએ ઉમેર્યું: "શારદાબહેન આંહીં ઘરમાં છે કે કેમ તે વાતનો જ મને તો હવે વહેમ છે."

"ક્યાં ઉપાડી ગયા છો?" ચોથીથી ન રહેવાયું.

"બહેનો!" પેલા અજાણ્યા પુરુષે ઉત્તર દીધો: "મને બીક છે કે હવે પાંચમી કોઈ એમ જ બોલશે કે શારદાને મારીને ભોંમાં તો ભંડારી નથી નાખી ને! માટે, ચાલો, હું તમને શારદા કને લઈ જાઉં."

કન્યાઓના ટોળાને મકાનની અંદર લઈ જતા એ પુરુષનાં કપડામાંથી અત્તરની સુગંધ મહેકતી હતી: એનો લેબાશ રેશમનો હતો: પગમાં સુંદર ચંપલ હતાં, ને મોંમાં મીઠી તમાકુવાળી સિગારેટ સળગતી હતી.

"હવે અહીં અટકો;" એણે સહુને એક ખાલી ઓરડામાં ખડાં કર્યાં: "ને ચૂપચાપ એક વાર આ બારીમાંથી તમારી બહેનપણીને નિહાળો. કોઈ બોલશો નહિ."

કન્યાઓએ ત્યાં ઊભાંઊભાં જોયું કે દૂરના એ ખંડમાં એક શારદા હતી, ને બીજી હતી હીરા. હીરા વિભૂતિની સગી બહેન, ને શારદા એની દૂર દૂરની, માબાપવિહોણી, નિરાધાર, આશ્રિત બહેન.

આ શારદા! જોનારી કન્યાઓ વિસ્મયમાં પડી ગઈ. ખાદીનાં જાડાં કપડાં વિના કશાંને ન અડકનારી શારદા તે વખતે રેશમના શણગારો સજી રહી છે: બુટ્ટાદાર પીળા રેશમની સાડીના સળ પાડતી શારદા પોતાના દેહ આખાને સમાવી લેનાર એક કબાટજડિત આયના સામે મલપતી ઊભી છે: એના અંબોડામાં ગુલાબની વેણી છે, હીરાજડિત ચીપિયા છે: ટ્રંકો ને ટ્રંકો ખુલ્લી પડી છે: અક્કેક ટ્રંકમાંથી જુદી જુદી વસ્તુ, કોઈમાંથી તેલ, કોઈમાંથી અત્તર, કોઈમાંથી હાથની બંગડી ને કોઈમાંથી એરિંગ શારદા પોતાના શરીરે સજી રહી છે.

અને શારદાની આ સમૃદ્ધિ સામે લોલુપ, લાચાર, ગરજવાન મોં વકાસીને નીરખી રહી છે.

હીરા કાકલૂદી કરે છે: "શારદાબેન! ઓ શારદાબેન! મને એ એક એરિંગ આપશો?"