પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


રમાને શું સૂઝ્યું!


[૧]

ગાડી ઊપડવાને પાંચ જ મિનિટ બાકી હતી. રાવબહાદુર સુમંતની મોટરગાડી માર માર વેગે સ્ટેશન તરફ દોટ કરતી હતી; પરંતુ બરાબર ટાવર ચોક ઉપર જ પોલીસ સિપાહી લાલજીનો જમણો હાથ લાંબો થયો.

રાવબહાદુર સુમંતે નજર કરી તો રસ્તો બંધ કરવાનું કોઈ પણ કારણ નહોતું; સડક ટ્રાફિક વગરની, નદીના પટ જેવી સાફ હતી. માત્ર એક ગવલી એની તાજી વીંયાયેલી ગાય લઈને ઊભો હતો. તેને ગાય દોરીને રસ્તો પાર કરવા દેવાની ખાતર જ લાલજીએ રાવબહાદુરની ગાડી રોકાવી.

ગાયનું વાછરડું, કે જે પાછળ રહી ગયું હતું. તેને તેડી લેવા ગવલી ફરીથી રસ્તો વીંધીને આવ્યો; વાછરડાને સહીસલામત ગાય ઊભી હતી ત્યાં પહોંચતું કર્યું. ભાંભરતી ગાય બચ્ચાને ચાટતી ચાટતી ચૂપ થઈ ત્યારે જ લાલજી સિપાહીનો હાથ સ્ટેશન રોડને મોકળો કરી તળાવ રોડ પર ખેંચાયો.

રાવબહાદુરે ગાડી ચાલુ કરી લાલજીની નજીકમાંથી હાંકી. લાલજીએ સલામ કરી, રાવબહાદુરે સલામ ઝીલી નહિ; એમની આંખોમાંથી અંગાર ઝરતા હતા.

થોડે જ છેટે ગયા ત્યાં તો રાવબહાદુરે સડકની સામે દૂર દૂર ટ્રેઇનને ચાલી જતી જોઈ. મોટરમાં બેઠેલ પોતાની પુત્રીને એણે કહ્યું:

"રમુ, બેટા ! એ કમબખતે જ આપણને ટ્રેઈન ચુકાવી."

"પપાજી ! આપણે પોલીસ-ઉપરી સાહેબનું ધ્યાન ખેંચવું જોઈએ."

"હા જ તો. સીધાં ત્યાં જ જઈએ. પછી જ ઘેર જઈશું."

ગાડી પાછી વાળીને લાલજીના પહેરા તળેથી નીકળવાની ઇચ્છા