પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હમ તુમકો ડિચાર [ડિસ્ચાર્જ] દેગા, યુ બ્રૂટ !"

એ છેવટના વાક્ય સાથે ઉપરીએ જ્યારે પગ પછાડ્યા, ત્યારે લાલજીનો સીનો વીફર્યો. તૂટું-તૂટું થતી ખામોશીને થોડી ઘડી ટકાવી રાખીને એ એટલું જ બોલ્યો કે, "ડિચાર દેના હો તો અભી જ બિલ્લા-પટા લા દેતા હૂં, સા'બ; મગર જબાન સમાલ કે બોલો, હુઝુર !"

ઉપરી ખાસિયાણા પડ્યા. એનું તીર તૂટી પડ્યું. એણે બગડતી બાજીને સુધારવા બીજો પ્રયત્ન કર્યો; જરા શાંતિ ધરીને નરમાશથી કહ્યું: "મગર દેખો, લાલજી ! અપની ઔર અપના તમામ બેડાકી ઇજ્જત તુમ્હારે હાથોમેં થી. ઇન બાનુકો કિતના નુકસાન હુવા ! તુમ ઉનકા દરગુજર માંગના ચાહિએ."

"મૈંને કાનૂન બજવાયા હે, સા'બ ! દરગુજર મેં નહિ મંગતા."

"બેસમજ લડકા !" ઉપરીએ પથારો સંકેલ્યો: "જાઓ, ઔર અભી સે હોશિયાર રહો !"

લાલજીના ગયા પછી પોલીસ-ઉપરીએ બન્ને મહેમાનોને ઘણી ઘણી દિલગીરી દર્શાવી અનેક રીતે સમજ પાડી કે આ પોલીસ લોકો કેવા જંગલી પ્રદેશમાંથી હિંસક પશુઓ જેવા અહીં ચાલ્યા આવે છે, અને એમને સભ્ય બનાવતાં કેટલો લાંબો સમય લાગે છે.... વગેરે વગેરે.

રાવબહાદુરે પૂછ્યું: "પણ આ માણસને નોકરીની આટલી બધી બેતમા કેમ છે ? એ બરતરફ થાત તો શું કરત ?"

"અરે રાવબહાદુર ! જંગલમાં જઈને લાકડાંની ભારી વીણી આવત. એવી બેહાલીમાં પણ એની આંખનો સુરમો, એની પાઘડીની ટેડાઈ અને એના મિજાજની ખુમારી ન ઉતરત."

પછી તો રમાને આવા બેતમા લોકોની વાતોમાં વધુ રસ આવવા લાગ્યો. એણે પોતાની ખુરસી વચલા મેજની નજીક ખેંચી, અને 'આ લોકો' વિષે પોલીસ-ઉપરી 'કાકા'ને અનેક પ્રશ્નો કરવા માંડ્યા. કાકાએ પણ પોતાના બહોળા અનુભવની સમૃદ્ધિ ઉખેળી. 'આ લોકો'ની એકનિષ્ઠાના, બહાદુરીના, ઝનૂનના તેમ જ પ્યારના કિસ્સાઓ પણ તેમણે પોતાની