પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવબહાદુરે જ્યારે ડોકું ધુણાવ્યું ત્યારે એની આંખો સજલ હતી.

"રોશન ઇરાનણનો અવતાર આપણાં રમાબહેન: એનો આમાં જરીકે દોષ ન જોજો, સાહેબ ! અને સુધારકોના કે માનસશાસ્ત્રીઓના ઘીંસરાના માર્ગો લેતાં પહેલાં વિચારજો, સાહેબ ! રમાને જો જીવવા દેવી હોય તો આપની ઇજ્જતને સામા પલ્લામાં મૂકવી પડશે."

"એટલે શું હું લાલજીની જોડે રમાને પરણાવું ?"

"અરે, રાખો રે રાખો, સાહેબ ! મારી જીભના ટુકડા જ ન કરી નાખું !"

"તો પછી ?"

"દેશભક્તો જોડે તો નહિ જ; તેમ ડાહ્યાડમરા, પત્નીભક્ત પંતુજીઓની જોડે પણ નહિ."

"ત્યારે, પણ, કોની જોડે ?"

"આપની જ ન્યાતના એક જુવાન છે."

"કોણ ?"

"રમણ ભરાડી."

"રમણ સટોડિયો ? એની જોડે મારી રમા પરણે !"

"પરણશે તો એની જોડે ને નહિ તો ભાગી જશે લાલજીની જોડે. રમાની ઉપર સત્તા સ્થાપનારો તમારી ન્યાતમાં રમણ પછી તો બીજો કોઈ હવે જન્મે ત્યારે ખરો."

"અરે ભાઈ, મારું નાક કપાય...."

"કાં તો નાકને જતું કરો નીકર રમાના જાનને જતો કરો. લાલજીના જમૈયાને ચૂપ કરે તેવો કોઈ હોય તો તે રમણ છે. હૉટલમાં જાય છે ત્યારે બેઠેલા તમામને ચા પાયા વિના પોતે પીતો નથી. જુગાર રમે છે ત્યારે અમારી પોલીસનું ધાડું અંદરના પાટલા ઊપડી જતાં સુધી દરવાજા બહાર થંભી રહે છે, ને ગયા હુલ્લડમાં એક રમણ જ પોતાની મોટર લઈ ગલીએ ગલીએ ઘૂમતો, હિન્દુ તેમ જ મુસલમાન બેઉનાં ઓરતો-બાળકોને ગાડી ભરીભરી પોતપોતાના લતા પર પહોંચાડતો હતો."

"પણ.... એનું ચારિત્ર્ય ?"