પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ બધાં તો બબડવા લાગ્યાં કે "તમે આવ્યે અમારાં રાંધણાનાં ઘસડબોળા કંઈક ઓછા થશે એમ આશા રાખેલ ત્યાં તો તમેય બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડ્યાં અમારે કપાળે!"

દેરાણી કહે: "મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દી-રાત એકલી તૂટી મરું છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?"

નાના ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું ઝૂંટવી લઈને બોલ્યાં: "લાવો ભા; તમારાથી નહિ ઊપડે. તમને એટલીયે ભાન છે કે મહેમાન સારુ પહેલાં દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવો છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને..."

ઉપરથી પુરુષો બૂમો પર બૂમો પાડતા હતા: "ઊનું પાણી કેમ હજી નથી આવતું? ક્યાં મરી ગયાં છે બધાં? ખાઓ છો તો થાળીઓ ભરીભરીને! પછી ચા કે' દી મોકલશો? મેમાનોને ગાડીએ પોગાડવા છે! એલા, ભગા, જોડ જલદી!"

"ટપાલ લેવા કોઈ ગયું કે નહિ?"

"આ ફાનસ હજી કેમ બળે છે?"

"આ છોકરો હજુ કેમ ગોબરો ભર્યો છે? એને પખાળો તો ખરાં કોઈક!"

"બપોરની ગાડીમાં ચત્રભુજ હેમાશાવાળા આવે છે: રોટલીનો લોટ રાખી મૂકજો..."

"કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો'તી નાખી? કોઈ જુઓ છો કે નહિ? મારાં સાળાં આંધળાં..."

આવા અનેક અવાજો પુરુષોનાં મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે "તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? કોથમીર જેવી જ ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દી..."