પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સૂતી મારી સૂરજ: મારું મોં એ એના હાથ ફેરવીને નિહાળે છે. જાણે એની આંગળીઓને ટેરવે ટેરવે નેત્રો ફૂટ્યાં છે. એ સુંવાળાં ટેરવાંના સ્પર્શની ગેબી ભાષામાં મને વાતો સંભળાવે છે. આંખો વિનાની મારી સૂરજ એનાં ટેરવાંને સ્પર્શે મારા ગાલો પર, સ્તનો ને પેટ ઉપર, જે સંગીત બજાવે છે, તેની તોલે ક્યા ગવૈયાની રાગિણી, ક્યા દિલરુબાના સૂર, ક્યા કૃષ્ણની બંસરી આવી શકે! મારા થાનેલાની ડીંટડી મોમાં લઈને એ જ્યારે ચૂસતી, ત્યારે મને એવું લાગતું કે ઊલટાની એ મારા અંતરમાં કંઈક ઠાલવતી હતી.

અને લોકો વાતો કરતાં કે, "બાઈ, સાસરિયાંનાં પુણ્ય મોટાં તે મા-દીકરી બેઉની રક્ષા થઈ. એણે બચાડાં બેઉએ તો પાપ કરતાં પાછું વાળી નહિ જોયું હોય; પણ ખોરડાનાં પુણ્ય આડાં ઓથ દેવા આવ્યાં."

"જુઓને, બાઈ," બીજાએ ઉમેર્યું: "જેઠે તરત જ નીમ લીધું કે, વહુને છૂટકો ન થાય ત્યાં લગી ચા નહિ પીઉં. જેઠાણીએ કુળદેવની આખડી રાખી છે કે, જ્યાં લગી બાળકીને પગે લગાડવા નહિ આવું ત્યાં લગી અડદ નહિ ખાઉં."

"ગલઢાંબૂઢાંનાં પૂન્ય: તેમાં આ બધાં ઉમેરાણાં ને, બાપા! તમે ભાગ્યશાળી છો, વહુ, કે આવું સાસરિયું પામ્યાં."

આ બધા બોલ હું સ્તબ્ધ બનીને સાંભળી રહેતી.

*

આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે, "ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહિ!"

"ઠીક થયું, મોટાભાઈ!" મારા વર આનંદ પામ્યા: "સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી! હમણાં હમણાં બહુ હઠતો'તો. પાધરોદોર થઈ જશે."

"વિઠલો આવે ત્યારે છોડી દેજો. પણ સરક નથી દેવાની; બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી."

ભાડાત ગાડીવાળો વિઠ્ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો.