પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે, "હું, મારી બોન ને મારા બાપ - ત્રણેય જણાં તાવમાં પડેલાં છીએ: પાણી ભરીને લાવનારું કોઈ નથી. એક ઘડો આપોને, તો ત્રણ દી પોગાડશું, અમારે વધારે ઢોળીને શું કરવું છે? તાવવેલાં છીએ એટલે ખાતાંપીતાંય નથી ને ખાતાંપીતાં નથી એટલે કાંઈ વધુ પાણી પીવા જોશે પણ નહિ. વાસ્તે આપો, ભાઈશા'બ!"

પણ પછી તો મેં ચોખ્ખું કહી દીધું કે, "ભાઈ, પુણ્યશાળીઓને પ્રથમ પહોંચાડી દેવા દે, પછી તારો વારો..."

ત્યાં તો લાલભાઈ શેઠના ઘોડાને દોરીને એનો નોકર લઈ આવ્યો, એટલે બાકીનું બધું જ પાણી અમે શેઠના ઘોડાની બાલદીમાં ઠાલવી દીધું, ઘોડો ચસકાવી જ ગયો. સૂંઢ ખંખેરીને મેં ફલજીના છોકરાને બતાવી: "જો, ભાઈ: છે પાણી! હોય તો હું ને મારો ભાઈબંધ ટભો કાંઈ ના પાડીએ?"

"ના શા સાટુ પાડીએ, ભા!" ટભાએ પણ ટાપશી પૂરી, ને અમે ટાંકીઓ હંકારીને ગામમાં ચાલ્યા ગયા.

બજારમાં અમને અજાયબી એ જ વાતની થતી કે આ કૂતરાં તો જો - કૂતરાં! કેટલાં સમજણાં! મહાજનની ટાંકીને જરીકે રોકે છે? ઊઠીને કેવાં મારગ આપે છે!

"હા." ટભાએ કહ્યું: "અને એની પુણ્યે તો આટલુંયે પાણી મળે છે આ કાળે ઉનાળે."