પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પંખી-માળાનાં તણખલાં જેવા, જાણે લમણાંની જોડે ચોંટી રહ્યા હતા.

અંદર જઈને રણજિતે ટેબલ પર વેણીનું લીલું પડીકું પછાડ્યું. એ દેખીતા સંતાપમાંથી એક દલીલે આકાર ધારણ કર્યો: કુદરતી સ્નેહ જ નથી; એટલે જ મારાં ફૂલોની આ વલે થાય છે ને ! એમાં એનો બાપડીનો દોષ શો કાઢું ! અમારો યોગ જ કુયોગ છે.

જેવું તેવું વાળુ જમીને રણજિતે પથારીઓ પાથરી. તારાને એણે ફરીવાર સ્ટવ પેટાવી શેકની કોથળીમાં ગરમ પાણી ભરી દીધું. ને પછી પોતે ભૂપલાને ઉંઘાડવા મંડ્યો. ઉઘાડા બરડા પર પિતાના હાથની મીઠી ખૂજલી માણતો ભૂપલો ઝોલે જતો જતો બોલતો હતો કે -

"બાપુ ! આજે અમાલે લઝા પલી‘ટી."

"કેમ, આજે મંગળવારે શાની રજા ?"

"અમાલા એક માસ્તલ ગુજલી ગયા. કેવી મઝા ! લોજ લોજ એક એક માસ્તલ ગુજલી જાય તો લોજ લોજ લજા પલે ખલું, બાપુ !"

"અરે, ગાંડિયા ! માસ્તરો તે કેટલાક છે ? એમ થાય તોય થોડાક જ દિવસમાં રજાઓ ખૂટી જશે !"

"પન પછી પછી માસ્તલની બા (અર્થાત બૈરી) લોજ લોજ મલે તો લજા ન પલે, હેં બાપુ, ન પલે, હેં બાપુ !" અનંત રજાઓનાં એવાં ગુલાબી સ્વપ્નમાં ભૂપલો ઢળી પડ્યો.

પછી રણજિતે તારાને ગોદમાં ચાંપી પણ એમાં સ્વાદ નહોતો. તારાના શરીર પર હાથ પસવારતાં ઘણીઘણી પ્રેમકવિતાઓ એણે સંભારી જોઈ; ચિત્રપટોમાં નીરખેલાં અનેક મદીલાં, ભિન્નભિન્ન મરોડવાળાં સ્નેહાલિંગનોને એણે યાદ કરી જોયા; પણ તારાના ખોળિયામાંથી કશો જ તનમનાટ પ્રજ્જવલ્યો નહિ. ઘડીભર રણજિતને એવો ભ્રમ થયો કે પોતે કોઈ શબને ઝાલ્યું હતું.

તારાને છોડી દઈને એકલા પડ્યાં પડ્યાં રણજિતે એ દિવસની ઘટનાના મણકા ફેરવવા માંડ્યા... શું બન્યું હતું ? કોણ હતી એ ? વિધાતા એના ને મારા જીવનના વાણાતાણા વડે શી નવી ચાદર વણી રહ્યો હશે !